ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022
શનિવાર.
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં સ્થિત પ્રખ્યાત શિરડી સાંઈ સંસ્થા હાલમાં એક વિચિત્ર પ્રકારની મુંઝવણનો સામનો કરી રહ્યું છે. સાઈબાબા મંદિરની તિજોરીમાં ચલણમાંથી રદ કરવામાં આવેલી ત્રણ કરોડની ચલણી નોટોનો ભરાવો થયો છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે નોટબંધીના પાંચથી વધારે વર્ષ વીતી ચુક્યા છે. તેમ છતાં પણ દાનપેટીઓમાં જૂની નોટો આવવાનું ચાલુ જ છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, સાઈ સંસ્થાનની તિજોરીમાં રદ થયેલી પાંચસો અને હજાર રૃપિયાની નોટો મોટા પ્રમાણમાં છે. ભાવિકો તરફથી દાનપેટીમાં નાખવામાં આવતી આ રદ કરાયેલી જૂની નોટોનું કોઈ મૂલ્ય નથી. કારણકે આ નોટનો સંગ્રહ કરવો અથવા પાસે રાખવી એ ગેરકાયદેસર છે. આથી આ જૂની નોટોને લીધે સાંઈ સંસ્થાન માટે માથાના દુખાવા રૂપ બની ગઈ છે.
આ અંગે સંસ્થાના સીઈઓ ભાગ્યશ્રી બનાયતે જણાવ્યું કે, જો ભક્ત હુંડીઓમાં દાન નાખે છે, તેની ગણતરી અઠવાડીયામાં એક વાર કરવામાં આવે છે. જ્યારે નોટબંધી થઈ ત્યારથી દાનપેટીમાં જૂની નોટો નાખવાનું ચલણ વધ્યું છે. આમ તો અમે નોટો જમા કરીને સાઈડમાં રાખીએ છીએ. તેને લઈને અમે સતત કેન્દ્રીય નાણામંત્રાલય, કેન્દ્રીય ગૃહમંત્રાલય અને રિઝર્વ બેન્ક સાથે સતત સંપર્કમાં છે.
નોટબંધી બાદ એટલે કે, 31 ડિસેમ્બર 2016 સુધી દાન પેટી દરરોજ ખોલવામાં આવતી અને દાનમાં ચડાવેલા રૂપિયાને બેંકોમાં જમા કરાવવામાં આવતા હતા. પરંતુ 31 ડિસેમ્બર બાદ બેંકોએ જૂની નોટો લેવાની ના પાડી દીધી. આ સંસ્થાના રૂપિયા છે અને તેને સામાન્ય લોકોની ભલાઈ માટે ઉપયોગમાં લેવામાં આવશે. ત્યારે આવા સમયે અમે ઈચ્છીએ છીએ કે, તેનું સમાધાન જલ્દી થાય.