News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમા ચાલી રહેલા સત્તા સંઘર્ષ અને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની સતત નાદુરસ્ત રહેતી તબિયતને લીધે વિરોધકોએ મુખ્ય પ્રધાન પદ અન્ય કોઈને સોંપવાની અનેક વખત સલાહ આપી ચૂક્યા છે. શિવસેનાના અનેક નેતાઓ મુખ્યમંત્રી બનવાનું સપનું રાખતા હોવાનું જગજાહેર છે. તેમાં તાજેતરમાં શિવસેનાના એક વિધાનસભ્યએ એક સભામાં ભાવિ મુખ્યપ્રધાન તરીકે અનિલ પરબના નામનો ઉલ્લેખ કરતા ચકચાર મચી ગઈ છે. આ કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેના અત્યંત નિકટના અને વિશ્વાસુ એવા મિલિંદ નાર્વેકર પણ હાજર હતા.
મુખ્યપ્રધાનના નામે શિવસેનામાં છૂપી સ્પર્ધા ચાલતું હોવાનું જગજાહેર છે. આ સ્પર્ધા દિવસે- દિવસે વધી રહી છે. થોડા સમય પહેલાં થાણેના પાલકપ્રધાન અને નગરવિકાસ પ્રધાન એકનાથ શિંદેના જન્મદિવસે થાણેમાં તેમના સમર્થકોએ ઠેર- ઠેર તેમને વધામણા આપતા બેનરમાં 'ભાવિ મુખ્યપ્રધાન' તરીકે ઉલ્લેખ કર્યો હતો.
હવે શિવસેનાના વિધાનસભ્ય સંજય પોતનીસે ભરસભામાં ભાવિ મુખ્યપ્રધાન તરીકે અનિલ પરબના નામનો ઉલ્લેખ કરતા કાર્યક્રમમાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અનિલ પરબ પોતે પણ અચંબિત થઈ ગયા હતા. જોકે પોતે કાચુ કાપ્યું હોવાનું જણાતા તુરંત તેમણે આ વાત મજાકમાં કરી હોવાની સ્પષ્ટતા કરી હતી.
આ સમાચાર પણ વાંચો :રાલેગણસિદ્ધીમાં થઈ રહેલા અનશનથી સમાજસેવક અન્ના હજારેનું વધી ગયું ટેન્શન. કેમ અન્ના હઝારેની સુરક્ષામાં થયો વધારો? જાણો શું છે સમગ્ર મામલો.
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની સતત નાદુરસ્ત રહેતી તબિયતને લીધે ભાજપ અનેક વખત મુખ્ય પ્રધાન પદ અન્ય સોંપવાની સલાહ ઠાકરેને આપી ચૂકી છે. તબિયને કારણે ઉદ્ધવ ઠાકરે ખરેખર જ મુખ્ય પ્રધાન પદ છોડશે તેવો તર્ક- વિતર્ક ચાલતો જ હોય છે. સંજય પોતનીસે પોતાના વિધાનને ભલે મજાક ગણાવ્યુ હોય પરંતુ રાજ્યના રાજકારણમાં મહાવિકાસ આઘાડી સરકારની સ્થાપના બાદ અનિલ પરબનું રાજકીય વજન સતત વધી રહ્યું છે એ હકીકત છે.