News Continuous Bureau | Mumbai
છેલ્લા ઘણા દિવસોથી શિંદે અને ઠાકરે જૂથ વચ્ચે રાજકીય લડાઈ ચાલુ છે. બંને જૂથો પોતાની તાકાત બતાવવાની કોઈ તક છોડતા નથી. એક તરફ શિવસેનાનો ઠાકરે જૂથ વિભાજનના આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે બીજી તરફ શિંદે જૂથ ઠાકરે જૂથને આંચકો આપવાની કોઈ તક છોડતું નથી.
ઉદ્ધવ ઠાકરે અને પ્રકાશ આંબેડકરના પ્રયાસોથી ઠાકરે જૂથ અને વંચિત બહુજન આઘાડી વચ્ચે ગઠબંધન થવાના સંકેતો છે. તેથી રાજ્યમાં નવી ભીમશક્તિ-શિવશક્તિનો ઉદય થશે તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે. હવે ફરી એકવાર એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેને ઝટકો આપવાની તૈયારી કરી રહ્યા છે.
કારણ કે નવી ભીમશક્તિ અને શિવશક્તિ એકસાથે આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. શિંદે જૂથ આજે ગઠબંધન અંગે પોતાની સ્થિતિ જાહેર કરશે. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને રિપબ્લિકન પાર્ટી ઓફ કવાડે ગ્રુપના પ્રમુખ જોગેન્દ્ર કવાડે આજે બપોરે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ ગઠબંધનને કારણે ઉદ્ધવ ઠાકરે અને મહાવિકાસ આઘાડીને નુકસાન થવાની ધારણા છે.
આ સમાચાર પણ વાંચો : સેન્ટ્રલ રેલવેએ વિક્રમ સર્જયો, માત્ર 9 મહિનામાં ખુદાબક્ષો પાસેથી વસુલ્યો અધધ આટલા કરોડનો દંડ, વાંચો અહીં સંપૂર્ણ વિગતો
જોગેન્દ્ર કવાડે શનિવારે મોડી રાત્રે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને તેમના થાણેના નિવાસસ્થાને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે ગઠબંધન અંગે લાંબી ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમને ગઠબંધન અંગે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. આ ચર્ચા મુજબ આગામી ચૂંટણીમાં શિવશક્તિ અને ભીમશક્તિ સાથે મળીને લડશે તેમ જોગેન્દ્ર કવાડેએ જણાવ્યું હતું.
મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ અને પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી વચ્ચે ગઠબંધન ચાલી રહ્યું છે. બંને પક્ષોના મોટા નેતાઓ આ અંગે ઘણી વખત સંકેતો આપી ચૂક્યા છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.