News Continuous Bureau | Mumbai
માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના જામીન 13 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યા છે. સુરત સેશન્સ કોર્ટે સોમવારે રાહુલ ગાંધીને રાહત આપી હતી. હવે 13 એપ્રિલે રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર રહેવું પડશે નહીં. સજાને પડકારવા પર સુનાવણી 3 મેના રોજ થશે. આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે સુરતની જિલ્લા અને સેશન્સ કોર્ટમાં પહોંચ્યા હતા. મોદી સરનેમ પર તેમની 2019ની ટિપ્પણીને લઈને માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે અપીલ દાખલ કરવા તેઓ સોમવારે સુરત પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની સાથે તેમના બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે ગયા મહિને સુરતની એક કોર્ટે રાહુલ ગાંધીને તેમના ભાષણ માટે દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ સજા બાદ રાહુલ ગાંધીએ લોકસભાની સદસ્યતા ગુમાવી દીધી હતી.
આ સમાચાર પણ વાંચો: હાથના કર્યા હૈયે વાગ્યા.. બ્રિટન વિભાજનના પંથે, આ પ્રાંતે અલગ થવા કરી માંગ, ભારતના ભાગલા જેવી સ્થિતિ.. જાણો શું છે સમગ્ર મામલો..
નિવેદનમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની અટક બે ભાગેડુ ઉદ્યોગપતિઓ સાથે જોડી દીધી. તેમણે કહ્યું હતું કે ચોરોની આ કેવી અટક છે. આ મામલે રાહુલ ગાંધી સાથે સુરત પહોંચેલા હિમાચલ પ્રદેશના સીએમ સુખવિન્દર સિંહએ કહ્યું કે, આ એક કાનૂની પ્રક્રિયા છે, શક્તિ પ્રદર્શન કે રેલી નથી. પરિવારના કોઈ સભ્ય પર આવી વાત આવે તો પરિવારના સભ્યો ભેગા થઈ જાય છે. અમે મુખ્ય વિરોધ પક્ષના સૌથી ઊંચા નેતા સાથે આવ્યા છીએ. અમારા વકીલો વાત રાખશે, સાચો નિર્ણય કોર્ટ લેશે.