News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે સુરત મહાનગરપાલિકાના રૂ.૨૪૯ કરોડ અને સુડાના રૂ.૪૩ કરોડ મળી કુલ રૂા.૨૯૨ કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પો ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું.
વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સુરત મનપા દ્વારા રૂા.૧૧૮.૪૨ કરોડના ખર્ચે નવનિર્મિત વેડ અને વરિયાવને જોડતા દોઢ કિલોમીટર લંબાઈ ધરાવતા ફોર લેન રિવર બ્રિજને પણ રેલવેમંત્રીશ્રીએ ખૂલ્લો મૂક્યો હતો. આ બ્રિજ સાકાર થવાથી કતારગામ-વેડરોડ તેમજ વરિયાવ-અમરોલી-છાપરાભાઠા વિસ્તારની અંદાજે ૮ લાખની વસ્તીને સરળ આવાગમનનો લાભ થશે.
વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુલ પાસે તાપી નદી કાંઠે આયોજિત સમારોહમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, સુરત પાલિકા, રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ ટ્રિપલ એન્જિનના સુશાસનથી વિકાસકામો તેજગતિથી સાકાર થઈ રહ્યા છે. વડાપ્રધાનશ્રીએ શહેરોને સુવિધા અને સુખાકારીસભર બનાવવાની દિશા આપી છે, ત્યારે આ ટ્રિપલ એન્જિનથી આપણા શહેરોનું વેલપ્લાન્ડ ડેવલપમેન્ટ અને વિકાસની હરોળમાં વૈશ્વિક શહેરોની સમકક્ષ ઉભા રહે તેવું સુગ્રથિત આયોજન થઈ રહ્યું હોવાનું ઉમેર્યું હતું.
વધુમાં શ્રીમતી જરદોશે જણાવ્યું કે, આવનાર સમયમાં સુરત રેલવે સ્ટેશન દેશનું સૌપ્રથમ મલ્ટી મોડેલ રેલવે સ્ટેશન વિકસિત થશે, જ્યાં રેલવે, જીએસઆરટીસી સિટી બસ ટર્મિનલ સ્ટેશન અને મેટ્રોને એકીકૃત કરીને અવિરત ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે. નવું અત્યાધુનિક સ્ટેશન બિલ્ડિંગ આર્થિક પ્રવૃત્તિઓની સાથે વ્યવસાય, વેપાર અને વાણિજ્યનું કેન્દ્ર બનશે.
આ સમાચાર પણ વાંચો: લોકસભા ચૂંટણી બનશે રસપ્રદ.. મુંબઈમાં આ પિતા-પુત્રની જોડી આવશે આમને સામને… જાણો શું છે ઠાકરે જૂથની રણનીતિ?
મંત્રીશ્રીએ કહ્યું કે એક જવાબદાર જનપ્રતિનિધિ તરીકે અમે સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો લોકો માટે કરેલી કામગીરી, સુખાકારીના કાર્યો, પ્રયાસો અને પરિણામોનો હિસાબ લઈને જનતા પાસે જવાના છીએ. પ્રજાભિમુખ અભિગમને ઉજાગર કરીને રાજ્ય અને કેન્દ્ર સરકાર જનતા માટે જ કાર્યરત છે એવો વિશ્વાસ આપીશું.
તેમણે વેડ વરિયાવનો નવો બ્રિજ ઓલપાડ તાલુકાને સુરત સાથેની સુગમ કનેક્ટિવિટી પણ પૂરી પાડશે એમ જણાવી વિવિધ પ્રકલ્પોની ભેટ આપવા બદલ સુરત મનપાને અભિનંદન પાઠવી વિકાસની આ ગતિને અવિરત જાળવી રાખવા અનુરોધ કર્યો હતો.
વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, દેશમાં રોડ-રસ્તા, વીજળી, પાણી, આવાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને ગતિ મળી છે. દેશમાં આજે દૈનિક ૨૮ કિલોમીટરના હાઈવે બની રહ્યા છે, જે વિકાસની ગતિના સૂચક છે.
સુરત મહાનગરપાલિકાની વિકાસલક્ષી કામગીરીને બિરદાવતા તેમણે કહ્યું કે, ‘સૌના સાથ, સૌના વિકાસ’ના સૂત્રને અનુસરી સુરત પાલિકા અને રાજ્ય સરકારે સાથે મળીને વિકાસકામોની વણઝાર કરી છે. જેમાં સુરતવાસીઓ પણ હંમેશા સહયોગી રહ્યા છે. નવનિર્મિત બ્રિજ સુરત શહેર અને ઓલપાડ તાલુકાના જોડાણ, આવાગમન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પાલિકાએ બ્રિજનું નિર્માણ કરી સ્થાનિક જનતા અને હજારો વાહનચાલકોને આવાગમનમાં મોટી રાહત આપી હોવાનું શ્રી પટેલે ઉમેર્યું હતું.
ધારાસભ્યશ્રી વિનોદભાઈ મોરડીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, વર્ષોથી સ્થાનિક નાગરિકો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે સપનું આજે સાકાર થઈ રહ્યું છે. છેલ્લા ૧૫ વર્ષમાં જ આ સાતમો બ્રિજ કતારગામ વિસ્તારમાં બન્યો છે. જનપ્રતિનિધિઓની માંગણી, રજૂઆતોનો સાનુકૂળ પ્રતિસાદ આપીને રાજ્ય સરકાર પણ પ્રોત્સાહક અનુદાન આપી રહી છે, જેના કારણે મિની ભારત સમાન સુરતમાં વિકાસકામો તીવ્ર ગતિથી થઈ રહ્યા છે. કતારગામમાં રાજ્યની આધુનિકતમ સ્ટેટ ઓફ ધ આર્ટ એવી લાઈબ્રેરી નિર્માણ જેવા અનેકવિધ પ્રકલ્પો પ્રગતિમાં છે એની વિગતો તેમણે આપી હતી.
આ સમાચાર પણ વાંચો: Shani Jayanti 2023 : આજે છે ન્યાયના દેવતા શનિ દેવની જયંતિ, જાણો શનિદેવને પ્રસન્ન કરવા શું કરવું અને શું ન કરવું
પ્રારંભે મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે મંત્રીશ્રીઓ સહિત મહાનુભાવોને આવકારતા સુરત મનપાની વિકાસ અભિમુખ કામગીરીની રૂપરેખા આપીને સુરત રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી તમામ ક્ષેત્રે બે કદમ આગળ વધીને અપ્રતિમ વિકાસ સાધી ગુજરાતના સર્વાંગી વિકાસમાં ભાગીદાર બન્યું છે એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલા, ધારાસભ્ય સર્વશ્રી સંદિપ દેસાઈ, મનુભાઈ પટેલ, પ્રવિણભાઈ ઘોઘારી, કાંતિભાઈ બલર, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી પરેશ પટેલ, કોર્પોરેટરો, વિવિધ સમિતિના અધ્યક્ષો સહિત મહાનુભાવો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.