News Continuous Bureau | Mumbai
પર્યાવરણ જાગૃતિ માટે દર વર્ષે વિશ્વભરમાં તા.૫ જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવાય છે. માનવજીવનનો આધાર એવા પર્યાવરણની જાળવણી અને તેનુ સંવર્ધન માત્ર જરૂરિયાત નહિં, પણ દરેક નાગરિકની ઔપચારિક ફરજ છે. આ વાતની પ્રતીતિ કરાવે છે સુરતના ૩૬ વર્ષીય ઉદ્યોગપતિ અને પ્રકૃતિ પ્રેમી નિશિત કાપડિયાનું ‘લીલુંછમ ઘર’. હા..!! લીલુંછમ એટલા માટે કેમ કે શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા તેમના ઘરની ન્યૂનતમ જગ્યાનો મહત્તમ ઉપયોગ કરી નિશિતભાઈએ આખા ઘરને હરિયાળું બનાવ્યું છે.
૧૫૦થી વધુ કુંડા અને ક્યારી મળી ૪૦થી વધુ જાતના ફૂલ-છોડથી તેમણે ઘરની આશરે ૨૫ ફૂટની દીવાલને વેલાઓ વડે તૈયાર થયેલા ‘ગ્રીન કવર’થી ઢાંકી દીધી છે. જેને કારણે પુષ્કળ ગરમીમાં પણ તેમના ઘરે ઠંડક અનુભવાય છે. તેમણે ઘરના આંગણાં,બાલ્કની અને અગાસી સહિતની તમામ ખુલ્લી જગ્યામાં શ્રીપર્ણી (સેવન), કૃષ્ણકમલ, એલેમેન્ડા, મધુ માલતિ, સૂર્યમુખી, રજનીગંધા, ગલગોટા વેલ, પારિજાત, મનીપ્લાન્ટ, ગણેશચંપા, પડદાવેલ, દેરાણી જેઠાણી, બાંબુ છોડ અને બૉન્સાઈ સહિતના ઠંડક આપતા ફૂલ છોડ ઉગાડી ગૃહ શોભા વધારી છે.
નિશિતભાઈના ‘ગ્રીન હાઉસ’ સમાન ઘરમાં લીંબુ, કઢી લીમડો, સીતાફળ, લીલી ચા જેવા રોજ દરરોજની રસોઈમાં ઉપયોગમાં લઈ શકાય તેવા છોડ પણ સામેલ છે. પુષ્કળ પ્રમાણમાં હરિયાળીથી આચ્છાદિત હોવાથી નિશિતભાઈનું ઘર અનેક પતંગિયાઓ, પક્ષીઓ માટે પણ પ્રિય બન્યું છે. સનબર્ડ, રેડ વેન્ટેડ બુલબુલ, પારેવા, કોયલ, હમીંગ બર્ડ જેવા વિવિધ પક્ષીઓ સવાર સાંજ આવી મધુર કલરવ કરે છે. તો અગાસીમાં લગાવેલી ગલગોટા વેલ અને લીલી ચા ને કારણે મચ્છરનો ઉપદ્રવ પણ નહિવત રહે છે.
એક નજરે જોતાં જ તેમના પ્રકૃતિ પ્રેમને ભાખી શકાય અને ઘર છે કે જંગલ એવો પ્રશ્ન સહજ થઈ આવે. તેમના ગ્રીન એન્ડ ક્લીન ઘર અંગે વિસ્તારથી વાત કરતાં નિશિતભાઈએ જણાવ્યું કે, મને ૧૧-૧૨ વર્ષની ઉંમરથી જ પર્યાવરણ અને તેના જતનમાં ઊંડો રસ હોવાથી હું સુરતના જાણીતી સંસ્થા નેચર ક્લબમાં સ્વયંસેવક તરીકે જોડાયો અને વર્ષો સુધી વિવિધ કામગીરી દ્વારા ફૂલ-છોડ અને તેના ઉપયોગ વિષે અનેક જાણકારી મેળવી. મારા ગાર્ડનિંગના શોખને આગળ વધારી ઘરમાં ઓછામાં ઓછી જગ્યામાં ઉપર ચઢતા વેલાઓ, વધુમાં વધુ ફૂલ છોડ રોપવાનું શરૂ કર્યું. વધારે સમજણ માટે યુ-ટ્યુબ પર વિડીયો જોઈ અવનવા એક્સપેરિમેન્ટ કર્યા અને સફળ રહ્યો.
આ સમાચાર પણ વાંચો: વિશ્વ પર્યાવરણ દિન: સુરતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આટલા લાખ વૃક્ષોનું પ્લાન્ટેશન કરીને શહેરને હરિયાળુ કરાયું
વધુમાં તેમણે કહ્યું કે, મને જોઈને મારા દીકરા નંદિશને પણ એમાં રસ જાગ્યો અને એ પણ મારી સાથે ગાર્ડનિંગમાં સમય આપવા લાગ્યો. પત્ની અને દીકરાના સહયોગથી સમગ્ર ઘરની બંને ખુલ્લી દિવાલોને વેલાઓ વડે સુશોભિત કરી. જેથી ઘરની સુંદરતા વધવાની સાથે બહારના વાતાવરણની સરખામણીમાં ઘરના તાપમાનમા પણ ૬ થી ૭ ડિગ્રીનો ઘટાડો થયો. જે મારા સમગ્ર પરિવારને અસહ્ય ગરમી હોય તો પણ ટાઢક અને રાહત આપે છે.
અગાસીમાં નિયમિત આવતા પક્ષીઓના ચણથી કુદરતી રીતે ઊગી આવેલા ફ્લાવર અને સફેદ ચોળા વિષે તેમણે જણાવ્યું કે, આ બન્ને છોડ ‘બર્ડ ડ્રોપીંગ’થી ઉછર્યા છે. તેમણે રસોડાના ભીના કચરામાંથી તૈયાર થતા ઓર્ગેનિક ખાતર વિષે માહિતી આપી જણાવ્યું હતું કે, બે વર્ષથી ઘરના વેટ કચરામાંથી કોમ્પોસ્ટ બનાવી ફૂલ છોડના ખાતર રૂપે ઉપયોગ કરીને ‘ઝીરો વેટ વેસ્ટ’નો પ્રયોગ કરી રહ્યો છું. રૂફટોપ સોલારમાંથી સ્પ્રિંકલના વેસ્ટ પાણીનો પણ બેસ્ટ ઉપયોગ કરી રહ્યો છું. જેમાં સોલાર પેનલ ધોવા માટે વપરાતા પાણીને સીધું છોડવાઓના કુંડામાં પહોંચાડી પાણી સંરક્ષણ થઈ શકે એવો પણ પ્રયાસ કર્યો છે.
પ્રકૃતિ રાક્ષણના ભેખધારી નિશિતભાઈએ તમામ યુવાઓ અને બાળકોને વર્તમાન પરિસ્થિતિમાં તણાવમુક્ત કરી માનસિક શાંતિનો અનુભવ કરાવતા વૃક્ષોનું પોતાના ઘર, ઓફિસ અને સોસાયટીમાં વધુમાં વધુ વાવેતર કરી તેની જાળવણી કરવાથી પર્યાવરણ સંરક્ષણમાં નાનકડું યોગદાન આપી શકાશે એવો મત વ્યક્ત કર્યો હતો.