આંબળાનાં ઝાડ ભારતના બધા પ્રાંતોમાં જોવા મળે છે. આંબળા જંગલમાં પણ આપમેળે થાય છે. આંબળાનું ઝાડ સૂકા પાનખર જંગલમાં થાય છે. તેના પાંદડા આમલી જેવા હોય છે. તેના પર દિવાળી એટલે કારતક મહિને ફળ લાગી જાય છે અને તે ફળ આપણને પોષ-મહા મહિના સુધી બજારમાં વેચાતા મળે છે. આંબળા શરીરને મજબૂત કરનાર, ઘડપણને દૂર કરનાર તથા પિત્તશામક છે.
આંબળાને ધાત્રી એટલે દાયણ, જેમ દાયણ બાળકને માની ગરજ સારી સ્તનપાન કરાવી પોષે છે. તેમ આંમળું શ્રેષ્ઠ પોષક છે. આપણે આજકાલ આંબળાની બનાવટ, ચ્યવનપ્રાશ ઘણો વાપરીએ છીએ. જેનાથી શરીરનું સપ્રમાણ પોષણ થઈ ઘડપણ દૂર થાય છે. આંબળાનો મુરબ્બો તથા અથાણું પણ વપરાય છે. આંબળાના કટકા કરી મીઠું મેળવી સૂકવણી કરી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે.