ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાનાં અનેક નિયંત્રણોનો સામનો કરી રહેલી પંજાબ મહારાષ્ટ્ર કૉ-ઑપરેટિવ (PMC) બૅન્ક સહિત 21 બૅન્કના ડિપોઝિટરોને તેમના પૈસા મળવાની શકયતા નિર્માણ થઈ છે. ડિપોઝિટ ઇન્સ્યૉરન્સ ઍન્ડ ક્રેડિટ ગૅરન્ટી કૉર્પોરેશને (DICGS) 21 બૅન્કની યાદી જાહેર કરીને 90 દિવસની અંદર અથવા 29 ડિસેમ્બર, 2021 સુધીમાં પાંચ લાખ રૂપિયા સુધીની રકમ મેળવવા પાત્ર ગ્રાહકોની યાદી તૈયાર કરવાનું કહ્યું છે. આ 21માંથી 11 બૅન્ક તો મહારાષ્ટ્રની છે.
સંસદમાં ગયા મહિનામાં ડિપોઝિટ ઇન્સ્યૉરન્સ ઍન્ડ ક્રેડિટ ગૅરન્ટી કૉર્પોરેશન બિલ 2021 (સુધારિત) મંજૂર કરવામાં આવ્યું હતું. તે મુજબ આરબીઆઇ જે બૅન્કો પર નિયંત્રણો લાદ્યાં હતાં, તે સંબંધિત બૅન્કના ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ મળશે. આ બિલને મંજૂરી મળ્યા બાદ સરકારે 1 સપ્ટેમ્બર, 2021ના રોજ અધિસૂચના બહાર પાડી હતી. તેથી તે દિવસથી આ કાયદો અમલમાં આવી ગયો છે. આ કાયદાને કારણે આ 21 બૅન્કના ગ્રાહકોને ફાયદો થવાનો છે. આરબીઆઇનાં નિયંત્રણોને કારણે આ ગ્રાહકોના બૅન્કમાં પૈસા અટવાઈ પડ્યા છે.
લગભગ 90 દિવસની અંદર અથવા તો 29 ડિસેમ્બર, 2021 સુધીમાં ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ પાછી કરવામાં આવશે. DICGS દ્વારા આ 21 બૅન્કોને પાત્ર ગ્રાહકોની યાદી 15 ઑક્ટોબર 2021 સુધી રજૂ કરવાનો આદેશ આપ્યો છે. તેમ જ બીજી અને અંતિમ મુદલ અને વ્યાજ સાથેની યાદી 9 નેમ્બર, 2021 સુધી રજૂ કરવા કહેવામાં આવ્યું છે.
આ 21 બૅન્કમાંથી 11 બૅન્ક મહારાષ્ટ્રની છે. આ બૅન્કમાં મહારાષ્ટ્રની અગ્રણી કહેવાતી પીએમસી બૅન્ક, રૂપી કૉ-ઑપરેટિવ બૅન્ક, સીટી કૉ-ઑપરેટિવ બૅન્ક, કપોળ કૉ-ઑપરેટિવ બૅન્ક અને મરાઠા સહકારી બૅન્ક સહિત ઇન્ડિપેન્ડન્સ કૉ-ઑ બૅન્ક, કેરલાની અદૂર કૉ-ઑ બૅન્ક, કર્ણાટકની બિદર મહિલા અર્બન કૉ-ઑ બૅન્ક લિમિટેડ, મિલાથ કૉ.ઑ. બૅન્ક લિ., શ્રી ગુરુરાઘવેન્દ્ર સહકારી બૅન્ક, ધ મુઢોલ કૉ-ઑ બૅન્ક લિ., ડેક્કન અર્બન કૉ-ઑ બૅન્ક લિ. વગેરે બૅન્કનો સમાવેશ થાય છે.