ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઑક્ટોબર, 2021
ગુરૂવાર
બૉલિવુડ અભિનેતા રિતેશ દેશમુખ ઇન્ડસ્ટ્રીમાં એના ઉત્કૃષ્ટ અભિનય માટે જાણીતા છે. કૉમેડી રોલથી લઈને વિલનના પાત્ર સુધી રિતેશે દરેક રોલ દ્વારા દર્શકોનું મનોરંજન કર્યું છે. પોતાની ફિલ્મોથી લોકોનું મનોરંજન કરનારા રિતેશ દેશમુખ સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. તે અવારનવાર તેના ફોટા અને વીડિયો તેના ફેન્સ સાથે શૅર કરે છે. એટલું જ નહીં, તે ઘણી વખત તેની પત્ની જેનેલિયા ડી’સોઝા સાથે રીલ્સ બનાવતો જોવા મળે છે. ચાહકો પણ રિતેશ અને જેનેલિયાના આ વીડિયોને ખૂબ પસંદ કરે છે.
તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં અભિનેતા રિતેશ દેશમુખે ખુલાસો કર્યો કે જ્યારે ભારતમાં ટિકટૉક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે તેણે શું ગુમાવ્યું હતું અને તે સમય દરમિયાન તેને કેવું લાગ્યું હતું. રિતેશે કહ્યું કે જ્યારે દેશમાં ટિકટૉક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે તે લગભગ બેકાર થઈ ગયો. રિતેશ દેશમુખે ઇન્ટરવ્યૂમાં પોતાના અનુભવ સાથે જોડાયેલો એક રમૂજી કિસ્સો શૅર કર્યો.
રિતેશે જણાવ્યું હતું કે જ્યારે વર્ષ 2020માં દેશવ્યાપી લૉકડાઉન લાદવામાં આવ્યું ત્યારે તેણે ટિકટૉકનો ઉપયોગ શરૂ કર્યો હતો. એ સમય દરમિયાન તેણે વિચાર્યું કે આના દ્વારા લોકોના ચહેરા પર સ્મિત લાવી શકાય છે. આ હેતુ માટે તેણે ટિકટૉક પર વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તરત જ આ ઍપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો જેના કારણે તે ખૂબ જ પરેશાન હતો. એ સમયે તેને લાગ્યું કે જાણે તે બેકાર બની ગયો છે. તેઓ વિચારવા લાગ્યા – 'હે ભગવાન, હવે મારે શું કરવું જોઈએ, જે કામ હતું તે ચાલ્યું ગયું છે.' પણ પછી તેને રીલ્સ બનાવવાનો વિચાર આવ્યો અને જેનેલિયા સાથે મજેદાર રીલ્સ બનાવવાનું શરૂ કર્યું, જે તેના ચાહકોને પણ ખૂબ ગમ્યું.
રિતેશ અને જેનેલિયા ટેલિવિઝનના કેટલાક પ્રખ્યાત રિયાલિટી શોમાં પણ દેખાયા હતા. તે પ્રથમ વખત લોકપ્રિય રિયાલિટી શો બિગ બૉસ OTTના ગ્રાન્ડ ફિનાલેમાં દેખાયો હતો. આ પછી તે તાજેતરમાં ટીવીના પ્રખ્યાત ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ના મંચ પર દેખાયો. KBC 13ના સ્ટેજ પર પહોંચેલા આ કપલે શોના હોસ્ટ અમિતાભ બચ્ચન સાથે ખૂબ મસ્તી કરી હતી. બીજી બાજુ, વર્કફ્રન્ટની વાત કરીએ તો જેનેલિયા ડી’સોઝાએ ઘણાં વર્ષો પહેલાં અભિનય છોડી દીધો છે. જોકે રિતેશ દેશમુખ હજુ પણ ફિલ્મોમાં જોવા મળે છે. એ છેલ્લે અક્ષયકુમાર અને બૉબી દેઓલ સાથે ફિલ્મ હાઉસફુલ 4માં જોવા મળ્યો હતો.