ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑક્ટોબર, 2021
બુધવાર
વેબ સિરીઝ 'સ્પેશિયલ ઓપ્સ'ની આગામી સિઝનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેનું નામ છે – 'સ્પેશિયલ ઓપ્સ 1.5 : ધ હિમ્મત સ્ટોરી'. આમાં કેકે મેનન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આ સિઝનમાં પણ તે હિંમત સિંહની ભૂમિકામાં જોવા મળશે. તેની છેલ્લી સિઝન દર્શકોને ખૂબ પસંદ આવી હતી. મીડિયા રિપૉર્ટ્સ અનુસાર સિરીઝનું ટ્રેલર લીક થયા બાદ મેકર્સે એને રિલીઝ કર્યું છે. કેકે મેનને તેના ઇન્સ્ટા ઍકાઉન્ટ પર એનું ટ્રેલર પણ શૅર કર્યું છે. આ વેબ સિરીઝનું ટ્રેલર દર્શકોનાં મનમાં ઉત્સુકતા જગાડે છે. ટ્રેલર સવાબે મિનિટનું છે. ટ્રેલરની શરૂઆતમાં સિરીઝનાં કેટલાંક પાત્રો હિંમત સિંહ વિશે વાત કરતાં જોવા મળે છે. આ શ્રેણી દ્વારા હિંમત સિંહના જીવનના કેટલાક અંશો જણાવવામાં આવ્યા છે.
ખાનગી જેટથી લઈને લંડનમાં વૈભવી બંગલા સુધી, આ ચાર મોંઘી વસ્તુઓનાં માલિક છે અજય અને કાજોલ; જાણો વિગત
ટ્રેલર 2001માં દર્શકોને લઈ જાય છે અને હિંમત સિંહનાં સાહસોની કેટલીક ઝલક બતાવે છે. તેમને સિસ્ટમની બુરાઈઓ સામે લડતા અધિકારી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આટલી બધી મુશ્કેલીઓ હોવા છતાં તે પોતાના દિમાગથી કેવી રીતે મોટું ઑપરેશન કરે છે, એ ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે. કેકે મેનન, વિનય પાઠક, આફતાબ શિવદાસાની, ગૌતમી કપૂર, કેપી મુખર્જી, પરમીત શેટ્ટી સહિત ઘણા કલાકારો વેબ સિરીઝમાં જોવા મળશે. વેબ સિરીઝમાં મોટું નવું નામ ઉમેરાયું છે એ આફતાબનું છે. તેઓ પ્રથમ સિઝનનો ભાગ ન હતા. ટ્રેલરમાં તે ફુલ ઑન ઍક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. વેબ સિરીઝ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર 12 નવેમ્બરે રિલીઝ થશે.