ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઓક્ટોબર, 2021
બુધવાર.
ચીન બાદ ભારતમાં પણ બરોબરની તહેવારની મોસમમાં કોલસાની અછતને પગલે ગંભીર વીજ સંકટ નિર્માણ થયું છે. એવામાં અમુક રાજયના વીજ ઉત્પાદન એકમો ગ્રાહકોને વીજળી પૂરી પાડવાને બદલે ઊંચા ભાવે પાવર એક્સચેન્જને વીજળી વેચી મારતા હોવાનો ચોંકાવનારો આરોપ કેન્દ્રના વીજ મંત્રાલયે કર્યો છે.
તહેવારોમાં વીજળીનો વપરાશ વધી જતો હોય છે. તેવામાં દેશમાં કોલસાની અછતને પગલે ગંભીર વીજ કટોકટી ઊભી થઈ છે. ત્યારે કેન્દ્ર સરકારે દેશના વીજ એકમોને કોલસો પૂરી પાડનારી કોલ ઈન્ડિયાને તહેવારો દરમિયાન દૈનિક 1.55થી 1.66 મિલિયન ટનને બદલે 20 ઓક્ટોબર પછી દૈનિક 1.70 મિલિયન ટન કોલસો પૂરો પાડવાનો આદેશ આપ્યો છે.
વીજ કટોકટીના સંકટ વચ્ચે મંગળવારે વીજ મંત્રાલયે કહ્યું હતું કે તહેવાર હોવાથી વીજળીની ડિમાન્ડ વધુ છે. તેની સામે કોલસાની અછતને કારણે વીજ ઉત્પાદન ઘટી જવાથી વીજળીના ભાવમાં તીવ્ર વધારો થયો છે. એવામાં ધ્યાનમાં આવ્યું છે કેટલાક રાજયોમાં વીજ એકમો વીજ કાપ મુકીને તેમના ગ્રાહકોને વીજળી પૂરી પાડતા નથી. ગ્રાહકોને બદલે ઊંચા ભાવે પાવર એક્સચેન્જને તેઓ વીજ વેચી રહ્યા છે.
વીજ મંત્રાલયે રાજયના વીજ એકમોને ચેતવણી પણ આપી હતી કે જો કોઈ રાજયએ ગ્રાહકોને વીજળી આપવાને બદલે સીધી પાવર એક્સચેન્જને ઊંચા ભાવે વીજળી વેચી હોવાનું જણાશે. તો આવા રાજયોને કેન્દ્રના ક્વોટામાંથી ફાળવવામાં આવતી વીજનો ક્વોટો પાછો ખેંચી લેવામાં આવશે અને અન્ય રાજયોને આપવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે દેશમાં 70 ટકા વીજ ઉત્પાદન કોલસા આધારિત છે. વીજ એકમોને 80 ટકા કોલસો સરકારી કંપની કોલ ઈન્ડિયા પૂરો પાડે છે.