ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 જુલાઈ 2021
બુધવાર
ગુજરાત સહિત અનેક રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન કુદરતી પ્રકોપને દ્વારકાધીશે પોતાના શિરે લીધા હોઈ એવાં અદ્ભુત દ્દૃશ્યો જોવા મળ્યાં હતાં.
હકીકતમાં દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં ગઈ કાલે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન દ્વારકાધીશના શિખર-ધ્વજ પર વીજળી પડી હતી અને એને કારણે મંદિરની ટોચ પરના દંડ પર ફરકતી ધજા સહેજ ફાટી ગઈ હતી. જોકે સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. મંદિરના શિખર પર કોપરના વાયરનું અર્થિંગ ગોઠવ્યું હોવાથી વીજળી સડસડાટ જમીનમાં ઊતરી ગઈ હતી.
આ ઘટનાની જાણ થયા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દેવભૂમિ-દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે ફોન પર વાતચીત પણ કરી હતી. હાલ દ્વારકાધીશ મંદિર પરના આકાશમાં થતા વીજળીના ચમકારાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
જગતના નાથ દ્વારકાધીશના શિખર-ધ્વજ પર વીજળી પડી, કુદરતી પ્રકોપને દ્વારકાધીશે પોતાના માથે ઝીલ્યો હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં, જુઓ વાયરલ વીડિયો… #Monsoon2021 #rain #Gujarat #Dwarka #dwarkadhishtemple #Lightningstrike #lightning pic.twitter.com/oKJ1Th0yQ4
— news continuous (@NewsContinuous) July 14, 2021