ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
સામાન્ય મુંબઈગરા પર વધારાનો પ્રૉપર્ટી ટૅક્સનો બોજો ઠોપવાનો પ્રયાસ કરનારી મુંબઈ મહાનગરપાલિકા મુંબઈની હૉટેલો પર મહેરબાન થઈ ગઈ છે. કોરોના મહમારીમાં ક્વૉર્ન્ટાઇનની સગવડ ઉપલબ્ધ કરી આપનારી હૉટેલોને સળંગ બીજા વર્ષે પણ મિલકત વેરામાં રાહત આપવાનો નિર્ણય પાલિકા પ્રશાસને લીધો છે. વેલનેસ પૅકેજ હેઠળ હૉટેલ સહિત 234 મિલકતોને એનો લાભ મળવાનો છે. આ યોજના હેઠળ લગભગ 41.87 કરોડનો મિલકત વેરો માફ કરવામાં આવવાનો છે.
મુંબઈમાં ગયા વર્ષે કોરોનાની પહેલી લહેર દરમિયાન અને સપ્ટેમ્બરમાં બીજી લહેર દરમિયાન પાલિકાની હૉસ્પિટલ, ખાનગી હૉસ્પિટલ, જમ્બો કૅર સેન્ટર ઓછા પડવા માંડ્યા હતા. તેથી પાલિકાએ ખાનગી હૉટેલોનો ઉપયોગ ક્વૉર્ન્ટાઇન સેન્ટર તરીકે કર્યો હતો. આ માટે તેણે હૉટેલોને પોતાના તાબામાં લીધી હતી.
કોરોના દરમિયાન સહકાર આપવા બદલ પાલિકાએ સતત બીજા વર્ષે તેમને પ્રૉપર્ટી ટૅક્સમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે. પહેલી લહેર વખતે એપ્રિલથી જૂન 2020 સુધીના સમયગાળા 182 હૉટેલનો ઉપયોગ કર્યો હતો. એ માટે તેમનો 22 કરોડ રૂપિયાનો વેરો માફ કરવામાં આવ્યો હતો. હવે સળંગ બીજા વર્ષે હૉટેલોને 41.87 કરોડની રાહત આપવામાં આવવાની છે.