News Continuous Bureau | Mumbai
દેશભરમાં સેંકડો વેપારી સંસ્થાઓનું નેતૃત્વ કરતી કોન્ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા ફરી એક વખત વૈશ્વિક ઈ-કોમર્સ કંપનીઓની દાદાગીરી રોકવા અને તેમના પર નજર રાખવા રેગ્યુલેટરી ઓથોરિટીની સ્થાપના પર જોર આપવામાં આવ્યો છે.
મંગળવારે CAITના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલની મુલાકાત લીધી હતી અને અઠવાડિયા પહેલા CAIT દ્વારા બહાર પાડવામાં આવેલા ઈ-કોમર્સ શ્ર્વેત પત્રની એક કોપી તેમને આપી હતી. તેમ જ ઈ-કોમર્સ પોલિસીને તાત્કાલિક લાગુ કરવાની માગણી કરી હતી.
કોન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના પદાધિકારીઓના કહેવા મુજબ હાલમાં ભારતનો ઈ-કોમર્સ બિઝનેસ વૈશ્વિક ઈ-કોમર્સ જાયન્ટ્સ દ્વારા સંચાલિત છે. તેઓ મનસ્વી રીતે વેપાર કરીને ભારતના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તેથી દેશના ઇ-કોમર્સ વ્યવસાયનું નિયમન અને દેખરેખ રાખવા માટે એક નિયમનકારી સત્તા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
CAIT ના પદાધિકારીના કહેવા મુજબ પીયૂષ ગોયલે તેઓને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની પ્રાથમિકતા ઈ-કોમર્સ બિઝનેસ છે અને આ મુદ્દાથી સંબંધિત અનેક મંત્રાલયો ઈ-કોમર્સ નીતિના ડ્રાફ્ટ પર વિચાર કરી રહ્યાં છે. સરકારના સ્તરે જ ડ્રાફ્ટ પર ચર્ચા થશે, તેને સાર્વજનિક કરવામાં આવશે. પીયૂષ ગોયલે CAIT દ્વારા બહાર પાડવામાં આવેલા શ્વેતપત્ર અને તેની ભલામણોનો નજીકથી અભ્યાસ કરવાનો આદેશ પણ તેમના અધિકારીઓને આપ્યો હતો. તેમ જ અધિકારીઓને ઈ-કોમર્સ વ્યવસાય માટે નિયમનકારી સત્તાની સ્થાપના કરવાની શક્યતા શોધવાની પણ સલાહ આપી હોવાનો દાવો CAIT દ્વારા કરવામાં આવ્યો છે.
CAIT ના પદાધિકારી સાથેની ચર્ચા દરમિયાન પીયૂષ ગોયલે મંત્રાલય દેશના છૂટક વેપાર અંગેના તમામ કાયદાઓની સમીક્ષા કરવાની અને જે કાયદા નકામા છે તેને રદ કરવાનો પ્રયાસ કરશે અને વ્યવસાય કરવા માટેના અનેક લાયસન્સની જગ્યાએ એક લાયસન્સ લાગુ કરશે એવું કહ્યું હોવાનું માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો પ્રતિ લિટરે કેટલા ભાવ વધ્યા
CAIT ના પદાધિકારીઓના દાવા મુજબ તેમણે અધિકારીઓને આવા કાયદા અને લાયસન્સની યાદી તૈયાર કરવાની સલાહ આપી હતી. તેમ જ તેમણે CAIT ને પણ આવા કાયદાઓ અને લાયસન્સની યાદી મોકલવાની સલાહ આપી હતી.
આ બેઠક દરમિયાન પીયૂષ ગોયલે બેંકો પાસેથી ઓછા દરે લોન મેળવવા સહિત અન્ય વિવિધ સરકારી યોજનાઓના વિવિધ લાભો મેળવવા માટે ઉદ્યોગમ આધાર હેઠળ વેપારીઓની મહત્તમ નોંધણીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમના સૂચનને સ્વીકારીને CAIT એ નિર્ણય લીધો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ, CAIT દેશભરના વેપારીઓને 10મી એપ્રિલથી ઉદ્યમી આધાર સાથે પોતાની નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરશે. વિવિધ રાજ્યોના શહેરો 75માં એક મેગા રાષ્ટ્રીય અભિયાન શરૂ કરશે. આ અભિયાન હેઠળ 75 લાખ નાના ઉદ્યોગોની નોંધણી કરવાનો લક્ષ્યાંક પણ નિર્ધારિત કર્યો છે.