ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑગસ્ટ, 2021
સોમવાર
દેશભરની વેપારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ દેશના તમામ રાજ્યના મુખ્ય પ્રધાનોને પત્ર લખ્યો છે, જેમાં તેમણે ઈ-કૉમર્સ કંપની દ્વારા પોતાના ઈ-કૉમર્સ પૉર્ટલ પર ઓછી કિંમતે વેચવામાં આવતા માલને લઈને ધ્યાન દોર્યું છે. ઓછા ભાવે સામાન વેચવાને કારણે સરકાર પોતાની ગુડ્સ સર્વિસ ટૅક્સ (GST) થકી થનારી આવક ગુમાવી રહી છે. એથી સરકારે એના તરફ ધ્યાન આપવું આવશ્યક હોવાનું તથા કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત ઈ-કૉમર્સના નિયમોને તુરંત લાગુ કરવાની માગણી CAITએ પત્રમાં કરી છે. આ મુદ્દા પર ચર્ચા કરવા માટે CAITએ તમામ રાજ્યના મુખ્ય પ્રધાન પાસે સમય પણ માગ્યો છે.
CAITના કહેવા મુજબ ઑનલાઇન વેચાણ કરતી ઈ-કૉમર્સ કંપનીઓ મૂળ કિંમતથી ઓછી કિંમતે સામાન વેચે છે. એથી કેન્દ્ર અને રાજ્ય સરકારને GSTથી નિયમિત સ્તરે થતી આવકથી હાથ ધોવા પડી રહ્યા છે. ઈ-કૉમર્સ કંપનીઓ સેલ્સ ફેસ્ટિવલના નામે ડિસ્કાઉન્ટ આપે છે. કૃત્રિમ રીતે ભાવ ઓછો કરે છે, જે સરવાળે સરકારને જ નુકસાનકારક છે. ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) પૉલિસી હેઠળ વિદેશી કંપનીઓને બિઝનેસ ટુ બિઝનેસ વેપાર કરવાની છૂટ છે, પંરતુ તેઓ નિયમોનું ઉલ્લંઘન કરીને સરકારની આંખ નીચે બિઝનેસ ટુ કન્ઝ્યુમર એટલે કે ડાયરેક્ટ ગ્રાહકોને સામાન વેચી રહી છે. એથી સરકારની સાથે જ નાના વેપારીઓને પણ નુકસાન થઈ રહ્યું છે.