ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑક્ટોબર, 2021
સોમવાર
કેન્દ્ર સરકાર ગુડ્સ સર્વિસ ટૅક્સ (GST) સિસ્ટમમાં ફેરફાર કરવા માગે છે. કાપડ ઉદ્યોગ પર રહેલા અમુક કર હટાવવા માગે છે, તેમ જ GST પાંચ ટકાથી વધારીને 12 ટકા કરવાની છે. સરકારના આ નિર્ણયથી કપડાં તો મોંઘાં થશે, પરંતુ સાથોસાથ નાના વેપારીઓના કારોબારને પણ ભારોભાર અસર થશે. પહેલાંથી વેપારમાં મંદી છે, એમાં આ નિર્ણયથી વેપારીઓ આર્થિક રીતે પાયામાલ થઈ જશે એવો દાવો કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ કર્યો છે.
હાલમાં જ GST પરિષદની એક બેઠક થઈ હતી, જેમાં સરકારે જાન્યુઆરી 2022થી કાપડ ઉદ્યોગ પર રહેલા અમુક કર હટાવવા બાબતે નિર્ણય લીધો છે. આ કર હટાવીને હાલ GST પાંચ ટકા છે, એને વધારીને 12 ટકા સુધી કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણય સામે CAIT દેશભરના કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલાં સંગઠનો પાસેથી સૂચનો મગાવ્યાં હતાં. મોટા ભાગનાં સંગઠનોએ GSTમાં વધારો કરવા સામે નારાજગી વ્યક્ત કરીને પાંચ ટકા જ રાખવાની ભલામણ કરી હતી. જોકે વેપારી સંગઠનોએ અમુક કરવેરાને ચાલુ રાખવા માટે તૈયારી બતાવી હોવાનું કહેવાય છે.
CAITના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરના કહેવા મુજબ કાપડ ઉદ્યોગમાં ચુકવણીનો સમય છ મહિનાથી વધુ હોય છે. ઉધારીનો સમય વધુ હોવાથી અમુક વખતે ખરીદદારોમાં ભાગેડુનું પ્રમાણ વધી જતું હોય છે. એવા કેસમાં વિક્રેતાનાં નાણાં ડૂબી જતાં હોય છે. એટલે જો અમુક કર રદ કરવામાં આવે તો વેપારીઓને આ નાણાં પોતાનાં ખિસ્સાંમાંથી ચૂકવવાનો વખત આવશે. એટલું જ નહીં, પણ GST કરવેરામાં પણ ફેરફાર કરવામાં આવ્યો તો કાપડ ઉદ્યોગને મોટા પાયા પર નુકસાન સહન કરવું પડી શકે છે. વણાટકામ ઉદ્યોગને પણ કરવેરામાં કોઈ ફેરફાર સ્વીકાર્ય નથી.
CAITના મહાનગર મહામંત્રી તુરણ જૈનના કહેવા મુજબ GST કરપ્રણાલીમાં ફેરફાર કર્યો તો કપડાં મોંઘાં થશે. નાના વેપારીઓના ધંધાને પણ માઠી અસર થશે.