ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 જૂન 2021
બુધવાર
કોરોનાને પગલે લાદવામાં આવેલાં નિયંત્રણોને પગલે છેલ્લા દોઢ વર્ષમાં નાના-મોટા વેપારીઓના કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. વેપાર-ધંધામાં થયેલા નુકસાનમાં રાહત આપવાની માગણી વેપારીઓની જુદી-જુદી સંસ્થાઓ દ્વારા સતત મુખ્ય પ્રધાનથી લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી કરવામાં આવી છે. જોકે હવે વેપારીઓનું નેતૃત્વ કરતી જુદી-જુદી સંસ્થાઓમાં જ અંદરોઅંદર રાહત આપવાથી લઈને જુદી-જુદી માગણીઓ મુદ્દે મતભેદો સર્જાયા હોવાનું બહાર આવ્યું છે.
વેપારીઓનાં પાંચ ઍસોસિયેશને મળીને એક નવું સંગઠન ટ્રેડર્સ યુનાઇટેડ ફોરમ ઑફ મહારાષ્ટ્ર (TUFOM) બનાવ્યું છે. આ નવા સંગઠનમાં ચેમ્બર ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ ( કૅમિટ), મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉમર્સ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઍગ્રિકલ્ચર (MCCIA), ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફર ઍસોસિયેશન (FRTWA), સ્ટીલ યુઝર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (SUFI) અને ધ મુંબઈ ગ્રેન ડીલર્સ ઍસોસિયેશન (MGDA)નો સમાવેશ થાય છે.
TUFOM દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વેપારીઓને રાહત આપવાની સાથે જુદી-જુદી માગણી સાથેનો પત્ર લખવામાં આવ્યો છે. જોકે અંદરોઅંદર રહેલા મતભેદને પગલે આ નવા સંગઠનમાં મહારાષ્ટ્રના વેપારીઓનું અગ્રણી ઍસોસિયેશન ગણાતા ફેડરેશન ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર (FAM) અને ધ કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (KAIT) જોડાયું નથી. એથી વેપારીઓ સંસ્થો વચ્ચે અનેક મતભેદ હોવાનું ફરીથી સ્પષ્ટ થઈ ગયું છે.
ગૃહિણીઓ માટે રાહતના સમાચાર; ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો થવાની સંભાવના, જાણો વિગત
ફામના પદાધિકારીઓના કહેવા મુજબ તેમને જોડવાનું કહેવામાં આવ્યું હતું, પણ અમુક મુદ્દે રહેલા મતભેદને કારણે વાત આગળ વધી શકી નહોતી, તો KAITના નૅશનલ વાઇસ પ્રેસિડન્ટ કીર્તિ રાણાના કહેવા મુજબ નવા સંગઠનમાં જોડવા માટે તેમને કહેવામાં આવ્યું નહોતું.