ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 જૂન 2021
શુક્રવાર
કરે કોઈ, ભરે કોઈ જેવી હાલત ગુરુવારે નવી મુંબઈની APMCના વેપારીઓની થઈ ગઈ છે. નવી મુંબઈ ઍરપૉર્ટને ભૂમિપુત્ર ડી. બી. પાટીલનું નામ આપવાની માગણી સાથે સ્થાનિક લોકોએ ગુરુવારે આંદોલન કર્યું હતું. એમાં થયેલા ચક્કાજામને લીધે વેપારીઓ APMC માર્કેટમાં પોતાની દુકાનો સુધી પહોંચી જ શક્યા જ નહોતા. માલની હેરફેર પણ થઈ શકી નહોતી અને એક દિવસ માટે તેમનો ધંધો ઠપ્પ થઈ ગયો હતો.
સિડકો ભવન પર સ્થાનિક લોકોના મોરચાને પગલે નવી મુંબઈમાં મોટા ભાગના રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. એમાં APMC માર્કેટ જતા તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. માર્કેટની પાછળનો એક જ રસ્તો ખુલ્લો હતો, પણ મોટા પ્રમાણમાં થયેલા ટ્રાફિક જામને પગલે વેપારીઓ પહોંચી જ શક્યા નહોતા. ટ્રકોને મંજૂરી ન હોવાથી માર્કેટમાં માલ પણ આવી શક્યો નહોતો.
મોટા સમાચાર : કાંદિવલીની સોસાયટીના રહેવાસીઓને એક્સપાયર થયેલી વેક્સિન મળી હતી?
બૉમ્બે મૂડીઝ બજાર કરિયાણા મર્ચન્ટ્સ ઍસોસિયેશનના ભૂતપૂર્વ ચૅરમૅન અમરીશ બારોટે જણાવ્યું હતું કે, કોરોનાને પગલે પહેલાંથી વેપારીઓને ધંધામાં ભારે નુકસાન થયું છે. એમાં ગુરુવારના વિરોધ પ્રદર્શનને કારણે વધુ એક દિવસ ધંધો બંધ રહ્યો હતો. APMC માર્કેટ આવવા-જવાના તમામ રસ્તા બંધ રાખવામાં આવ્યા હતા. બૅકસાઇડનો રસ્તો ખોલવામાં આવ્યો હતો, પરંતુ મોટા ભાગના વેપારીઓ ટ્રાફિક જામમાં ફસાઈ જવાથી પહોંચી જ શક્યા નહોતા. વાશી ટૉલનાકાથી APMC જવા માટે પાંચથી સાત મિનિટ લાગે છે, ત્યારે ગુરુવારે દોઢ કલાકથી પણ વધુ સમય લાગ્યો હતો. અનેક વેપારીઓ ટૉલનાકાના ટ્રાફિકથી કંટાળીને વાશી બ્રિજ પરથી પાછા ફરી ગયા હતા. જે વેપારીઓ માર્કેટમાં પહોંચ્યા હતા તો પણ કંઈ કામ કરી શક્યા નહોતા. ટ્રકને માર્કેટમાં આવવાની મંજૂરી એથી માલ ઉતારી શકાયો નહોતો.