ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ, 2021
શનિવાર
તહેવારોની મોસમમાં મુંબઈની બજારમાં શાકભાજીના ભાવ ઘટવાનું નામ નથી લેતા ત્યારે નવી મુંબઈની APMC બજારમાં શાકભાજીની આવક વધુ થતાં ભાવ ગગડી ગયા છે. એટલું જ નહીં, પણ ડિમાન્ડ સામે સપ્લાય વધી જતાં વેચાયા વગરની શાકભાજી કચરામાં ઠલવાઈ રહી છે.
શ્રાવણ મહિનામાં શાકભાજીની આવક વધી ગઈ છે. એથી હોલસેલ બજારમાં ભાવ ઘટી ગયા છે. એમાં ટમેટા, કાકડી, કોબી અને લીલી પત્તાંભાજીઓના ભાવ એકદમ નીચે આવી ગયા છે. APMC બજારમાં શાકભાજીની એટલી બધી આવક થઈ રહી છે, એની સામે ડિમાન્ડ નથી. એથી રોજની સેંકડો ટન શાકભાજી ફેંકવામાં આવી રહી છે.
નવી મુંબઈ APMCમાં શાકભાજી બજાર સાથે સંકળાયેલા અને APMC બજારના પદાધિકારી શંકર પિંગળેએ જણાવ્યું હતું કે શ્રાવણ મહિનામાં બજારમાં શાકભાજીની મોટી ડિમાન્ડ હોય છે. એ મુજબ ખેડૂતો પણ પાક લેતા હોય છે. તેમને એ મુજબ ભાવ પણ મળતા હોય છે, પરંત આ વર્ષે પહેલી વખત શ્રાવણ મહિનામાં શાકભાજીના ભાવ ગગડી ગયા છે. જુલાઈ મહિનામાં રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો હતો. એથી શાકભાજીના પાકને યોગ્ય વાતાવરણ મળ્યું હતું. ઉત્પાદન વધુ થવાથી શ્રાવણ મહિનાની શરૂઆતથી જ રાજ્યની તમામ બજારમાં મોટા પ્રમાણમાં શાકભાજી ઠલવાઈ રહી છે. સામે બજારમાં ડિમાન્ડ ઓછી છે. શાકભાજી ખાસ કરીને લીલાં પત્તાંવાળી શાકભાજી પેરિશેબલ આઇટમ હોવાથી તે સંઘરી શકાતી નથી. એથી રોજ વેચાયા વગરનો માલ ફેંકી દેવો પડે છે.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ બજાર સમિતિમાં રોજની 500થી 600 ટ્રક શાકભાજીની આવતી હોય છે. અમુક વખત આ સંખ્યા 700 પણ હોય છે. એમાં 35થી 40 હજાર ટન શાકભાજી અને 6થી 7 લાખ પત્તાંભાજીઓની જૂડીની આવક થતી હોય છે. એથી શાકભાજીના દર 25થી 40 ટકા સુધી ઘટી ગયા છે.