ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑગસ્ટ, 2021
સોમવાર
બૅન્ક દ્વારા લોનના હપ્તા સમયસર ચૂકવી નહીં શકનારા લોકોને ઘરે હપ્તા વસૂલવા માણસો પહોંચી જતા હોય છે. આવા લોકો વિરુદ્ધ પોલીસમાં અથવા રિર્ઝવ બૅન્ક ઑફ ઇન્ડિયામાં ફરિયાદ કરી શકાશે.
કોરોના મહામારી અને લૉકડાઉનમાં અનેક લોકો પોતાના નોકરીધંધા ગુમાવી બેઠા છે. એથી હાઉસિંગ લોન, કાર લોન, વેપારધંધા માટે તેમ જ શૈક્ષણિક લોન લેનારા કરજદારોને બૅન્કના હપ્તા ભરવામાં ભારે અડચણો આવી રહી છે. અનેક લોકો બૅન્કને સમયસર હપ્તા ચૂકવી શક્યા નથી. એવા સંજોગોમાં ખાનગી બૅન્કો દ્વારા લોનના હપ્તા વસૂલવા ઘરે વારંવાર કરજદારોને ફોન કરવામાં આવે છે. એટલું જ નહીં પણ અમુક ખાનગી ફાઇનાન્સ કંપની દ્વારા વસૂલી માટે રીતસરના ગુંડાઓ મોકલવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો થઈ રહી છે.
હોલમાર્કિંગને મુદ્દે ઝવેરીઓ હેરાનપરેશાનઃ લીધી કેબિનેટ પ્રધાન રાજનાથસિંહની મુલાકાત; જાણો વિગત
ખાનગી સંસંથાઓ દ્વારા વસૂલી માટે કરવામાં આવેલી સતામણીની ફરિયાદોને પગલે મહારાષ્ટ્ર સ્ટેટ બૅન્ક એમ્પ્લોઇઝ ફેડરેશને હાલમાં જ જણાવ્યું હતું કે રિર્ઝવ બૅન્કે કર્જની પુનર્રચના કરી છે. એથી સપ્ટેમ્બર 2022 સુધીમાં બૅન્ક પોતાના કરજદારો વિરુદ્ધ કોઈ પગલાં લઈ શકે નહીં. છતાં કોઈ બૅન્ક અથવા ખાનગી ફાઇનાન્સ કંપની દ્વારા લોનના હપ્તા વસૂલમાં માટે કોઈ માણસ ઘરે આવે તો તુરંત પોલીસને અથવા રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાને ફોન કરીને તેમની ફરિયાદ કરવાની રહેશે.