ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઓગસ્ટ, 2021
સોમવાર.
કેન્દ્ર સરકારે દેશભરમાં 16 જુલાઈથી સોના પર હોલમાર્કિંગ ફરજિયાત કરી નાખ્યું જૂના દાગીના પર હોલમાર્કિંગ માટેની મુદત 31 ઓગસ્ટ 2021 સુધીની છે. પરંતુ સમય ઓછો અને હોલમાર્કિંગ સેન્ટર ઓછા હોવાથી ઝવેરીઓને ભારે પરેશાની થઈ રહી છે. તેથી મુદત વધારી આપવાની માગણી સહિત અન્ય ફરિયાદો સાથે દેશના અગ્રણી સરાફા અસોસિયેશન અને જેમ એન્ડ જવેલરી કાઉન્સિલના પ્રતિનિધીઓ કેબિનેટ પ્રધાન રાજનાથ સિંહની મુલાકાત લીધી હતી. તેઓએ આ સમસ્યાનું સમાધાન લાવવાનું આશ્ર્વાસન આપ્યું હતું.
ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ડાયરેકટર દિનેશ જૈનના જણાવ્યું હતું કે રાજનાથસિંહને હોલમાર્કિગને લઈને ઝવેરીઓને થઈ રહેલી સમસ્યાઓથી વાકેફ કરવામાં આવ્યા હતા. તેમણે આગામી દિવસમાં આ સંદર્ભમાં કેબિનેટ પ્રધાન પીયુષ ગોયલ સાથે જેમ જેન્ડ જવેલરીની બેઠકનું આયોજન કર્યું છે. જેમાં આ મુદ્દા પર સવિસ્તાર ચર્ચા કરવાનું આશ્ર્વાસન આપ્યું છે.
હોલમાર્કિગને લઈને ઝવેરીઓને અનેક સમસ્યાઓ આવી રહી છે એવુ બોલતા તેમણે કહ્યું હતું કે ઝવેરીઓ હોલમાર્કિંગના વિરોધમાં નથી. હોલમાર્કિંગ માટેની જાહેરાત જુલાઈમાં કરવામાં આવી હતી. તે માટેની મુદત પણ 31 ઓગસ્ટ 2021 સુધીની આપવામાં આવી છે. હાલ દેશમાં પાંચેક કરોડનો જવેલરીના નંગ છે. તેની સામે પૂરતી સંખ્યામાં હોલમાર્કિંગ સેન્ટર નથી, સેન્ટરોની રોજની ક્ષમતા માંડ એક લાખ નંગની છે. તેને જોતા પાંચ કરોડ નંગને હોલમાર્કિગ કરવામાં 500 દિવસ નીકળી જશે. હાલના સ્ટોકને જોતા હોલમાર્ક કરવા 18 મહિનાનો સમય લાગશે. તેથી સરકારે હોલમાર્કિંગ કરવા માટે ઓછામાં ઓછો એક વર્ષનો સમય વધારી આપવો જોઈએ એવી સતત માગણી અમારા તરફથી કરવામાં આવી છે. પરંતુ સરકાર પાસેથી કોઈ જવાબ આવતો નથી. પહેલી સપ્ટેમ્બરથી ઝવેરીઓ સામે હોલમાર્કિગને લઈ કાર્યવાહી પણ થઈ શકે છે. તેથી વેપારીઓ ડરેલા છે. જો આવું જ રહ્યું તો કોરોનાને પગલે પહેલાથી ધંધાને ફટકો પડયો છે. આગામી દિવસમાં ઝવેરીઓને ધંધો બંધ કરવાની નોબત આવી જશે. તેથી કેબિનેટ પ્રધાન પીયુષ ગોયલ સાથે આ અઠવાડિયામાં મિટીંગ થશે તેમાં અમારી માગણી તેમની સમક્ષ રાખવાના છીએ.