ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જુલાઈ 2021
સોમવાર.
મુશળધાર વરસાદને કુદરતી આફત ગણીને તેનો ભોગ બનેલા લોકોને સરકાર જે રીતે વળતર આપે છે, તે રીતે વરસાદથી નુકસાની ભોગવનારા વેપારીઓને પણ વળતર મળવું જોઈએ, એવી માગણી દાદર હિંદમાતાના વેપારીઓ ઊઠી છે. “હવે સરકાર જ અમારા માઈ-બાપ બને અને અમારો ઉદ્ધાર કરે” એવી વ્યથા પણ કપડાંના વેપારીઓએ વ્યકત કરી છે.
વર્ષોથી દાદર-હિંદમાતામાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવાની સમસ્યાને મુંબઈ મહાનગરપાલિકા અને સરકાર દૂર કરી શકી નહોતી. થોડા વરસાદમાં પણ ધૂંટણભેર પાણી જવાથી વેપારીઓને દર વર્ષે નુકસાન થઈ રહ્યું છે, તેની માટે ફકતને ફકત સરકારી તંત્ર જવાબદાર છે એવો રોષ પણ હિંદમાતાના કપડાના વેપારીઓમાં જોવા મળી રહ્યો છે.
ન્યુ હિંદમાતા ક્લોથ મર્ચન્ટ અસોસિયેશનના ચેરમેન દિનેશભાઈ ત્રિવેદીએ ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે શનિવારના ભારે વરસાદને કારણે કપડાના વેપારીઓને ભારે નુકસાન થયું છે. આ અગાઉ જૂન મહિનામાં પણ ભારે વરસાદ દરમિયાન વેપારીઓને બહુ નુકસાન થયું હતું. પહેલાથી કોરોનાને પગલે દોઢ વર્ષમાં વેપારી વર્ગે બહુ સહન કર્યું છે. હવે વરસાદને પગલે વધુ નુકસાન થઈ રહ્યું છે. આ માનવ નિર્મિત નહીં પણ કુદરતી આફત છે. તેથી હવે મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકારે જ અમને થઈ રહેલા નુકસાનીની ભરપાઈ કરી આપવી જોઈએ.
હિંદમાતામાં વિજય શ્રી સારીસ નામની દુકાન ધરાવતા વેપારી મનસુખભાઈ જરૂએ ન્યુઝકન્ટીન્યુઝને જણાવ્યું હતું કે વર્ષોથી અહીંના વેપારીઓ વરસાદને કારણે ભરાતા પાણીને કારણે નુકસાન સહન કરી રહ્યા છે. સરકાર અને પાલિકા આટલા વર્ષોમાં પણ અહીં ભરાતા વરસાદી પાણીની સમસ્યા દૂર કરી શકી નથી. અમે તમામ પ્રકારના કરવેરા ભરીએ છીએ. કોરોનાને લગતા તમામ નિયમોનું પાલન કરીએ છીએ. આ બધામાં જ અમારા જેવા નાના વેપારીઓ ખતમ થઈ ગયા છે. ઈન્શ્યોરન્સ કંપની પણ અમારા નુકસાનીના દાવા ચૂકવવામાં ગલ્લા તલ્લા કરે છે. હવે સરકાર જ અમારી મદદે આવે અને અમને નુકસાની ભરપાઈ કરી આપે. અન્યથા આગામી દિવસમાં અમારી પાસે દુકાનો બંધ કરવા સિવાય બીજા કોઈ ઉપાય રહેશે નહીં.
આ માનવ નિર્મિત નહીં પણ કુદરતી આફત છે. હિંદમાતામાં પડદાની દુકાન ધરાવતા એસ.જે.ટેક્સટાઈનના વિશાલ દેઢિયાએ જણાવ્યું હતું કે શનિવારના વરસાદે વ્યાપક પ્રમાણમાં અમને નુકસાન પહોંચાડયું છે. સરકારના નિયમને કારણે રવિવારે દુકાન ખોલી શકયા નહોતા. તેથી નુકસાનનું પ્રમાણ વધી ગયું છે. વેપારીઓની સરકારને કોઈ ચિંતા નથી. જે ઈમાનદારીથી ટેક્સ ભરીને વેપાર કરે છે, એને જ હેરાન કરવામાં આવે છે. ફેરિયાઓ રસ્તા પર ધંધો કરે છે, તેનાથી કોરોના ફેલાતા નથી. પરંતુ અમારી દુકાનમાં દિવસમાં માંડ એકાદ-બે ગ્રાહક આવે છે, તેનાથી કોરોના ફેલાય છે. સરકારની આવી નીતિને કારણે અમે બહુ સહન કર્યું છે. એમાં પાછું ઈન્શ્યોરન્સ કંપની અમને થયેલા નુકસાનીનું વળતર આપતી નથી. દુકાનો ત્રણ ફૂટ ઉપર લેવાનું કહે છે. પહેલાથી જ જમીનથી દોઢ ફૂટ ઉપર અમારી દુકાન છે. હજી ત્રણ ફૂટ ઉપર લઈશું તો માલ-સામાન કયાં રાખશું? પાલિકા અને સરકાર હિંદમાતામાં ભરાતા પાણીની સમસ્યા દૂર કરી શકી નથી, તે માટે સરકાર જવાબદાર છે. તેથી અમને થનારા નુકસાનીનું વળતર સરકારે જ અમને ચૂકવું જોઈએ.