ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27, સપ્ટેમ્બર 2021
સોમવાર.
તહેવારો દરમિયાન સૂકામેવાના ભાવમાં ઘટાડો થવાની શકયતા જણાઈ રહી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા આવ્યા બાદ ભારત સાથેના ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ખાસ કરીને સૂકામેવાના વેપારને ભારે ફટકો પડયો હતો. અફઘાનિસ્તાથી સૂકામેવાની આયાત બંધ થઈ ગઈ હતી. જોકે હવે ફરી અફઘાનિસ્તાનથી સૂકા મેવાની આયાત ચાલુ થઈ ગઈ છે. તેથી ભારતીય બજારોમાં અફઘાનિસ્તાનના સૂકા મેવા ફરી વેચાવા માંડયા છે.
તાલિબાનની સત્તા આવ્યા બાદ અફઘાનિસ્તાનનો ભારત સાથેનો વેપાર ઠપ્પ થઈ ગયો હતો. જેને પગલે સૂકામેવાના વ્યવસાયને મોટી અસર પડી હતી. જોકે હવે અફઘાનિસ્તાનથી સૂકા મેવા મોકલવાનું ચાલુ થઈ ગયું છે. હાલ અફઘાનિસ્તાનમાં બેન્કો હજી ચાલુ નથી થઈ. પરંતુ માલ બગડી જવાના ડરે સ્થાનિક વેપારીઓ માલને રવાના કરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં હાલ બેન્ક બંધ હોવાથી સ્થાનિક વેપારીઓ ભારતીય વેપારીઓ સાથે વર્ષોના સંબંધોને આધારે ત્યાંથી માલ મોકલી રહ્યા છે.
ભારતમાં હાલ તહેવારોની મોસમ હોવાથી સૂકામેવાની ડિમાન્ડ વધી ગઈ છે. અફઘાનિસ્તાનના માલની ડિમાન્ડ પણ વધુ હોય છે. જોકે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ હજી સામાન્ય થઈ નથી. તેથી હાલ મોટા પ્રમાણમાં માલ નિર્યાત કરવાનું ત્યાંના વેપારીઓને પણ શકય જણાતું નથી. તેથી ભારતમાં જથ્થાબંધ તથા મોલના વેપારીઓને જથ્થાબંધ માલ મેળવવામાં તકલીફ થઈ રહી છે.
એમેઝોન અને ફલીપકાર્ટને ટક્કર આપવા સ્થાનિક વેપારીઓને પોતાનું ઈ-પોર્ટલ બનાવ્યું; જાણો વિગત
મેટ્રો શહેર દિલ્હી અને મુંબઈમાં અંજીરની ડિમાન્ડ વધુ છે. તેથી અફઘાનિસ્તાનમાં અંજીરના ભાવ વધી ગયા છે. તો સીડલેસ અને સીડવાળી કાળી દ્રાક્ષની ડિમાન્ડ પણ વધુ હોવાથી ત્યાં ભાવ ઊંચકાયા છે.