ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
પ્રદૂષણને નાથવા સરકાર ઈ-વેહિકલને પ્રમોટ કરી રહી છે. ઈ-વેહિકલના વેચાણ પર જાતના જાતના ઇન્સેન્ટિવ આપી રહી છે. લોકોમાં પણ હવે ઈ-વેહિકલ પ્રત્યે ઝુકાવ વધી રહ્યો છે, ત્યારે ખાનગી કંપની ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરને ગ્રાહકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ઓલાના કૉ-ફાઉન્ડર અને સીઈઓના જણાવ્યા મુજબ ઓલા ઈલેક્ટ્રિકના વેચાણના પહેલા જ દિવસે તેમના એસ-1 મૉડલના 600 કરોડ રૂપિયાથી વધુ સ્કૂટર વેચાઈ ગયાં છે. કંપનીના દાવા મુજબ પ્રતિ સેકન્ડે તેઓએ ચાર ઈ-સ્કૂટર વેચ્યાં છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતાના સસરાના ઘર પર બુલડોઝર ચલાવવાનો કિસ્સો કહ્યો; જાણો એ કિસ્સો
કંપનીએ 15 સપ્ટેમ્બરથી વેચાણની પ્રક્રિયા ચાલુ કરી હતી અને ગ્રાહકોના જબરદસ્ત રિસ્પૉન્સને પગલે 16 સપ્ટેમ્બરના તો તેમને ખરીદી પ્રક્રિયા બંધ કરી દેવી પડી હતી. કંપનીના દાવા મુજબ તેઓએ પ્રતિ સેકન્ડે ચાર સ્કૂટર વેચ્યાં હતાં. એટલે કે એક દિવસમાં જ તેમનાં 600 કરોડ રૂપિયાથી વધુ કિંમતનાં ઈ-સ્કૂટર વેચાઈ ગયાં હતાં. હાલ કંપનીએ તેમનાં ઓલા એસ1 અને એસ1 પ્રો મૉડલ બજારમાં વેચવા મૂક્યાં છે.
આ કંપનીએ જોકે હજી સુધી તેમને કેટલા ઑર્ડર મળ્યા છે એની સત્તાવાર કોઈ માહિતી નથી આપી. કંપનીના કહેવા મુજબ ઑક્ટોબર 2021થી તેમના સ્કૂટરની ડિલિવરી ગ્રાહકોને મળશે.