ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑગસ્ટ, 2021
સોમવાર
મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવતાં લાંબા સમયથી સરકારને દુકાનો ખોલવાનો સમય વધારી આપવાની માગણી રાજ્યભરના વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર ધ્યાન આપતી ન હોવાથી સરકારની નિતીથી કંટાળેલા પુણેના વેપારીઓએ હવે સરકારને જગાડવા માટે ઘંટનાદ આંદોલન કરવાનો નિર્ણય લીધો છે. આવતી કાલે પુણેના 40,000થી વધુ વેપારીઓ અને તેમના કમર્ચારીઓ આ ઘંટનાદ આંદોલનમાં જોડાવાના છે.
ફેડરેશન ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્રના વાઇસ પ્રેસિડન્ટ રાજેશ શાહે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે વેપારીઓ આર્થિક રીતે ભાંગી ગયા છે. હવે સહનશક્તિનો અંત આવી ગયો છે. દેશના અન્ય રાજ્યમાં મોટા પ્રમાણમાં છૂટ આપવામાં આવી છે, પરંતુ મહારાષ્ટ્રમાં મોટા પાયા પર કોરોના નિયંત્રણમાં આવ્યો છે છતાં સરકાર છૂટ આપવા તૈયાર નથી. પુણેના વેપારીઓ સતત સરકારને દુકાનનો સમય વધારીને સાંજે સાત વાગ્યા સુધી કરી આપવાની વિનંતી કરી રહ્યા છે. દસેક દિવસ પહેલાં વેપારીઓએ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારની મુલાકાત લઈ દુકાનો ખુલ્લી રાખવાનો સમય વધારી આપવાની માગણી કરી હતી, ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું. જોકે હજી સુધી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. એથી સરકારને જગાડવા માટે 3 ઑગસ્ટ મંગળવારના બપોરના 12થી 12.15 વાગ્યા સુધી પુણેમાં વેપારીઓ ઘંટનાદ આંદોલન કરશે. 40,000થી પણ વધુ વેપારીઓ આ આંદોલનમાં જોડાશે. આ આંદોલન જોકે તમામ વેપારીઓ પોતાની દુકાનમાં જ કરશે. તેમની સાથે તેમનો સ્ટાફ પણ એમાં જોડાશે.
દેશભરના ઝવેરીઓની આ માગણી સાથે પાંચ ઑગસ્ટના હડતાલની ચીમકી; જાણો વિગત
વેપારીઓની માગણી પ્રત્યે સરકારની બેદરકારી ચલાવી નહીં લેવાય એવું બોલતાં રાજેશ શાહે કહ્યું હતું કે દોઢ વર્ષમાં બે વેપારીએ આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરી લીધી છે. હવે વધુ વેપારીઓ આત્મહત્યા કરે એની સરકાર રાહ જોઈ રહી છે. તમામ નિયમોનું પાલન કરીને વેપારીઓ ધંધો કરી રહ્યા છે. પુણેમાં કોરોના લગભગ નિયંત્રણમાં છે. કોવિડ પૉઝિટિવિટી રેટ પણ 3થી 4 ટકાની આસપાસ છે, ત્યારે સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવી જોઈએ. ચાર વાગ્યા સુધીની સમયમર્યાદામાં ધંધો કરવો હવે શક્ય નથી. એથી જ કંટાળેલા વેપારીઓએ સરકારને ચીમકી આપી છે. જો એકાદ દિવસમાં દુકાનો સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી નહીં આપી તો બુધવારથી પુણેમાં વેપારીઓ પોતાની મેળે જ સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખશે. અમે હવે સરકારની કોઈ પણ કાર્યવાહીનો સામનો કરવા તૈયાર છીએ.