ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 જુલાઈ, 2021
શનિવાર
કેન્દ્ર સરકારે સોનાના જૂના દાગીના પર હૉલમાર્કિંગ અને હૉલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (HUID) કરવાનું ફરિજયાત કરી નાખ્યું છે. હૉલમાર્કિંગ માટે 31 ઑગસ્ટ, 2021 સુધીની મુદત છે. જોકે એ સંબંધી અનેક તકલીફો ઝવેરીઓને આવી રહી છે. એ માટે અનેક વખત સરકાર સાથે બેઠક કરીને ફરિયાદ પણ કરવામાં આવી છે. છતાં સરકાર તરફથી એનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. સરકારના આ નિર્ણયને કારણે વેપારીઓનો મૃત્યુઘંટ વાગી જશે એવી ફરિયાદ ઝવેરીઓ કરી રહ્યા છે. ઝવેરીઓની સમસ્યાને મુદ્દે તાત્કાલિક ધોરણે કોઈ નિર્ણય નહીં લીધો તો 5 ઑગસ્ટના હડતાલ કરવાની ચીમકી દેશભરના ઝવેરીઓ આપી છે.
ગોલ્ડ હૉલમાર્કિંગ અને HUIDમાં અગણિત સમસ્યાઓ : ઝવેરીઓ થઈ ગયા હેરાનપરેશાન, જાણો વિગત
ઑલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડૉમેસ્ટિક કાઉન્સિલના ડાયરેક્ટર દિનેશ જૈને જણાવ્યું હતું કે અમે હૉલમાર્કિંગના વિરોધમાં નથી પણ HUIDનો વિરોધ કરી રહ્યા છીએ. HUIDને સોનાની પ્યૉરિટી સાથે કોઈ સંબધ નથી. HUIDને કારણે વેપારીઓનું પેપર વર્ક વધી જશે. એટલું જ નહીં પણ ગ્રાહકોની માહિતી પણ તેને કારણે સરકાર સુધી પહોંચશે. તેથી ગ્રાહકો પણ સો વખત વિચાર કરશે. સોનાના એક ગ્રામથી લઈને તમામ ટુકડાઓ માટે HUID કરવામાં ખાસ્સો સમય જશે. જે ઝવેરીઓ માટે જ નહીં ગ્રાહકો માટે મુશ્કેલીભર્યું રહેશે. અસંખ્ય મુશ્કેલીઓ છે. પહેલાંથી કોરોનાને કારણે અમારો ઉદ્યોગ મરણ પથારીએ છે ત્યારે આ બધી સિસ્ટમને કારણે ઝવેરીઓની હેરાનગતિમાં હજી વધારો થઈ રહ્યો છે. અમારી માગણી છે, સિસ્ટમ ઇઝી કરો, પેપર વર્ક વધારો નહીં. એથી આ બાબતે નિર્ણય લઈને અમારી બધી સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમે સરકારને મુદત આપી છે. અન્યથા 5 ઑગસ્ટના દેશભરના ઝવેરીઓ હડતાળ કરશે.