ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑગસ્ટ, 2021
બુધવાર
બ્રેક ધે ચેઇન હેઠળ મહારાષ્ટ્ર સરકારે રાજ્યના પુણે, કોલ્હાપુર, સોલાપુર જેવા 14 જિલ્લાને કોઈ રાહત આપી નથી. એથી આ શહેરોના વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પુણેમાં તો સરકારની ભેદભાવભરી નીતિથી વીફરેલા વેપારીઓએ કાયદાનુ ઉલ્લંઘન કરીને આજથી સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. સાથોસાથ સરકારની કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી પણ કરી લીધી છે.
પુણે વ્યાપારી મહાસંઘના અધ્યક્ષ ફતેહચંદ રાંકાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે પુણેનો કોવિડ પૉઝિટિવિટી રેટ ત્રણથી સાડાત્રણની વચ્ચે છે. નિયમ મુજબ પુણે લેવલ વન હેઠળ આવે છે. એથી અન્ય શહેરોમાં આપી છે એ રીતે અહીં પણ વેપારીઓને તમામ રાહત મળવી જોઈએ. આ બાબતે ડેપ્યુટી મુખ્ય પ્રધાન અજિત પવારથી લઈને હોમ મિનિસ્ટર સુધીને અમે વિનંતી કરી હતી. છતાં અમારી માગણી પ્રત્યે સતત દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે. સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવા મંગળવાર સુધીની મુદત આપી હતી. સરકારે અમારી વિનંતી કાને ધરી નથી. એથી મંગળવારના ઘંટનાદ આંદોલન બાદ આજથી તમામ દુકાનો સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે.
લૉકડાઉનના નિયમો શિથિલ છતાં મહારાષ્ટ્ર સરકારની આ નીતિથી વેપારીઓ નારાજ; જાણો વિગત
ફેડરેશન ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્રના વાઇસ પ્રેસિડન્ટ અને અગ્રણી વેપારી રાજેશ શાહે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે મંગળવારે સરકારને જગાડવા માટે ઘંટનાદ આંદોલન કર્યું હતું, પરંતુ સરકાર અમારી માગણી પ્રત્યે ધ્યાન આપી નથી રહી. સરકાર સામે અમારું અસહકાર આંદોલન ચાલુ થઈ ગયું છે. આજથી સાંજના સાત વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવશે. કાયદાકીય પગલાંનો સામનો કરવાની વેપારી વર્ગે તૈયારી રાખી છે. સરકાર અને પોલીસને તથા સ્થાનિક પ્રશાસનને અમારી સામે જે પગલાં લેવાં હોય એ લેવા તેઓ આઝાદ છે.