ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑગસ્ટ, 2021
બુધવાર
મહારાષ્ટ્ર સરકારે સોમવારે બ્રેક ધ ચેઇન હેઠળ રાજ્યના 14 જિલ્લાને બાદ કરતાં તમામ જગ્યાએ રાહત આપી હતી. મુંબઈમાં રાતના 10 વાગ્યા સુધી અને અન્ય શહેરોમાં સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી મળી છે. જોકે મુંબઈ અને થાણેમાં મૉલ પરના પ્રતિબંધ કાયમ રાખવામાં આવ્યા છે. એથી મૉલ ખોલી શકાયા નહોવાથી મૉલમાં દુકાનો ધરાવતા વેપારીઓમાં નારાજગી છે.
મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે. લાંબા સમયથી વેપારીઓની માગણીને પગલે સરકારે સોમવારે નિયંત્રણો હળવાં કર્યાં હતાં. જેમાં મુંબઈ, થાણેને બાદ કરતાં રાજ્યનાં અન્ય શહેરોમાં મૉલ ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે મુંબઈ શહેર, ઉપનગર અને થાણે જિલ્લામાં નિર્ણય લેવાનો અધિકાર સ્થાનિક પ્રશાસન પર છોડવામાં આવ્યો હતો. એ મુજબ મુંબઈ મહાનગરપાલિકાએ સોમવારે સર્ક્યુલર બહાર પાડ્યો હતો. એમાં અઠવાડિયાના સાતેય દિવસ રાતના 10 વાગ્યા સુધી દુકાનો ખોલવાની મંજૂરી આપી છે, પરંતુ મૉલ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામા આવી નહોતી. એથી મૉલ ચાલુ કરવાની તૈયારી શહેરના મૉલના મૅનેજમેન્ટ દ્વારા કરવામાં આવી રહી હતી. એમાં મૉલની સફાઈથી લઈને સેનિટાઇઝેશનનાં કામ ચાલુ કરી દેવામાં આવ્યાં હતાં.
સરકારને જગાડવા પુણેમાં વેપારીઓનું ઘંટનાદ આંદોલન, હવે પછી અસહકાર આંદોલન; જાણો વિગત
જોકે મંગળવારે પાલિકાએ ફરી સર્ક્યુલર બહાર પાડીને મૉલ બંધ જ રહેશે એવી સ્પષ્ટતા કરી હતી, તો થાણે જિલ્લામાં પણ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં મૉલ બંધ જ રહેશે એવી મંગળવારે સ્પષ્ટતા કરવામાં આવી હતી. સરકારના આવા ભેદભાવભર્યા વલણ સામે મુંબઈ, થાણેમાં મૉલમાં દુકાનો ધરાવતા વેપારીઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.