ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 જુલાઈ, 2021
શુક્રવાર.
વિરારની નામાંકિત હૉટેલના માલિકે પોતાની હૉટેલમાં જ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હોવાનો આઘાતજનક બનાવ બન્યો હતો.
કોરોનાને પગલે છેલ્લા દોઢ વર્ષમાં વેપાર-ધંધાને મોટા પ્રમાણમાં ફટકો બેઠો છે. વેપારીઓ તમામ રીતે બરબાદ થઈ ગયા છે. સતત લૉકડાઉન અને સરકારી પ્રતિબંધોને કારણે ધંધો કરવો મુશ્કેલ થઈ ગયો છે, ત્યારે લૉકડાઉનને પગલે પડેલા આર્થિક ફટકાનો માર સહન નહીં કરી શકનારા વિરાર (વેસ્ટ)માં વાય. કે. નગરમાં આવેલી સ્ટાર પ્લેનેટ હૉટેલના 48 વર્ષના માલિક કરુણાકરન્ પુત્રણે ગુરુવારે આત્મહત્યા કરી હતી.
આત્મહત્યા પહેલાં કરુણાકરને આર્થિક સંકડામણનો ભોગ બન્યા હોવાથી આત્મહત્યા કરી રહ્યા હોવાની ચિઠ્ઠી લખી હતી. અનેક દિવસોથી લૉકડાઉનને પગલે હૉટેલ ચાલતી ન હોવાથી વીજળીનાં બિલ ભરવા, પગાર આપવા પૈસા નહોતા એથી નાઇલાજે તેઓ આત્મહત્યા કરી રહ્યા હોવાનું પત્રમાં લખ્યું હતું.