ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑગસ્ટ, 2021
શનિવાર
દેશમાં તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. તહેવારો ચાલી રહ્યા છે, ત્યારે તેલના ભાવમાં થયેલો ભડકો ગૃહિણીઓના કિચન બજેટને અસર કરી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં તેલની બજાર બેકાબૂ થઈ ગઈ છે, જેને નિયંત્રણમાં લાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. એથી તેલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, એમાં સામાન્ય નાગરિક તો પિસાઈ રહ્યો છે, પરંતુ વેપારીઓ પણ એનાથી બચી શક્યા નથી.
અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કૈટના મહાનગર અધ્યક્ષ શંકર ઠક્કરે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના અનેક પ્રકારના પ્રતિબંધોને પગલે સરસવની સાથે જ અન્ય ખાદ્ય તેલની કિંમતોમાં જબરદસ્ત વધારો થયો છે. ખાદ્ય તેલ સહિત તેલીબિયાં, દાળ અને કઠોળને મોંઘાં થતાં રોકવામાં સરકાર સરિયામ નિષ્ફળ ગઈ છે. પહેલાં પામતેલ પર આયાત ડ્યૂટી ઘટાડી. સાથે જ રિફાઇન્ડ ઑઈલની આયાત બંધ થઈ ગઈ હતી, એને પાછી ચાલુ કરી છે. સરકારનાં આ બે પગલાં બાદ પણ એ બજાર બેકાબૂ બની છે. તેલ અને તેલીબિયાંના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.
તેલની બજારની સાથે જ દાળ-કઠોળના આસમાને આંબતા ભાવને રોકવા સરકારે પ્રયાસ કર્યા હતા, જેમાં અગાઉ સ્ટૉક લિમિટ લાદી હતી. ઇમ્પોર્ટ બંધ હતું. એને પાછું ચાલુ કર્યું, પરંતુ સરકારના આ પગલા અપૂરતા છે. બજાર હજી પણ બેકાબૂ રહી છે. તહેવારો ચાલી રહ્યા છે ત્યારે તેલ સહિત દાળ-કઠોળના ભાવથી ગ્રાહકો તો પરેશાન છે, પણ સાથોસાથ વેપારીઓને પણ ધંધો કરવો મુશ્કેલ થઈ રહ્યો હોવાની ફરિયાદ મોટા ભાગના વેપારીઓ કરી રહ્યા છે.
સરકારને બેકાબૂ બનેલી તેલબજાર અને દાળ-કઠોળની બજારને નિયંત્રણમાં લાવવા માટે વેપારીઓ દ્વારા અનેક સૂચનો આપવામાં આવ્યાં છે. શંકર ઠક્કરે જણાવ્યું હતું કે તેલ અને તેલીબિયાં પર પાંચ ટકા ગુડ્સ સર્વિસ ટૅક્સ (GST) છે ત્યાં સુધી બજાર કાબૂમાં આવતી નથી એ હટાવી દેવી જોઈએ. તેલની આયાત પરની ઇમ્પોર્ટ ડ્યૂટીને હટાવી દેવી જોઈએ. સાઉથ એશિયન ઍસોસિયેશન ફોર રીજનલ કૉ-ઑપરેશન (SAARC) હેઠળ આવતા દેશ નેપાળ અને બાંગ્લાદેશથી ઈમ્પોર્ટ ડ્યૂટી વગર તેલ આયાત કરવામાં આવે છે, એને સાર્વજનિક વિતરણ વ્યવસ્થા (રૅશિનંગ) હેઠળ લાવવું જોઈએ. ત્યાર બાદ આ તેલ ઓછા ભાવે ગરીબ લોકોને આપવું જોઈએ.
ગજબ કહેવાય! ભારતમાં જુલાઈ મહિનામાં આટલા ટકા સોનાની આયાતમાં થયો વધારો; જાણો વિગત
એ સિવાય હાલ MCX, NCDEX અને અન્ય કૉમોડિટી એક્સચેન્જમાં થતા વાયદા અને સટ્ટાને તાત્કાલિક બંધ કરાવવો જોઈએ તો એનાથી બજારમાં ભાવ ઘટવામાં મદદ થશે એવી સલાહ પણ વેપારીઓ દ્વારા સરકારને આપવામાં આવી છે.