ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑગસ્ટ, 2021
બુધવાર
મહારાષ્ટ્ર સરકારે 15 ઑગસ્ટથી રાજ્યમાં તમામ મૉલ ખુલ્લા રાખવાની મંજૂરી આપતાં વેપારીઓનો ખુશીનો પાર નહોતો. જોકે તેમનો આનંદ ક્ષણિક સાબિત થયો હતો. બે દિવસમાં મુંબઈ સહિત રાજ્યના મોટા ભાગના મૉલને પાછાં તાળાં લાગી ગયાં છે.
મૉલને ખુલ્લા મૂકવા માટે મુંબઈ મહાનગરપાલિકના કમિશનર ઈકબાલસિંહ ચહેલે વેક્સિનનો એક ડોઝ લીધો હોય તે કર્મચારીને કામની છૂટ આપી હતી. જોકે 16 તારીખે સરકારે નવું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. એ મુજબ મૉલના કર્મચારીઓએ વેક્સિનના બંને ડોઝ લીધા હોવાની શરત રાખી હતી. વેક્સિનનો બીજો ડોઝ લેવાના 14 દિવસ બાદ જ મૅનેજરથી લઈને સફાઈ કર્મચારીને મૉલમાં કામ પર રાખી શકાશે.
મૉલમાં કામ કરતા મોટા ભાગના કર્મચારીઓ 18થી 40 વર્ષની આસપાસના છે. વેક્સિનની અછતને પગલે તેમ જ અગાઉ ફક્ત 45થી વધુ વયના લોકોને જ વેક્સિન આપવામાં આવતી હતી. એથી મોટા ભાગના કર્મચારીઓના ફક્ત એક જ ડોઝ થયા છે. આ શરતને કારણે મોટા ભાગના મૉલને બંધ કરવાની નોબત આવી હતી.
મુંબઈમાં પશ્ચિમ ઉપનગરમાં આવેલા મલાડના ઇનોર્બિટ અને ઇન્ફિનિટી, કાંદિવલીના ગ્રોવેલ્સ અને ઘાટકોપરમાં આવેલા આર સિટી મૉલ સહિતના અનેક મૉલ મંગળવારના બંધ રહ્યા હતા.
રિટેલર્સ ઍસોસિયેશનના કહેવા મુજબ અગાઉ પાલિકા કમિશનરે એક ડોઝ લીધેલા કર્મચારી સાથે મૉલ ચાલુ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ 16 ઑગસ્ટના બીજું નોટિફિકેશન બહાર પાડી વેક્સિનના બંને ડોઝ લીધેલા કર્મચારીઓને જ મૉલમાં પ્રવેશ આપવાનું કહેવામાં આવ્યું હતું. સરકારે આ નોટિફિકેશનમાં ફેરફાર કરવાની જરૂર છે. લાંબા સમયથી લોકો કામધંધા વગરના છે. રોજીરોટીનો સવાલ છે. એથી એક વેકિસન લીધેલા કર્મચારીઓને પ્રવેશ માટે મંજૂરી આપવામાં આવે તો ફરીથી મૉલ ચાલુ કરી શકાશે.