ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,27 જુલાઈ 2021
મંગળવાર.
દેશમાં બહુ જલદી સિલ્વર સમર્થિત એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) લોન્ચ કરવામાં આવે એવી શકયતા છે. સિક્યોરિટીસ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) મ્યુચલ ફંડોને ETF લોન્ચ કરવા મંજૂરી આપવા પર વિચારણા કરી રહ્યું છે.
SEBI દ્વારા નિમવામાં આવેલી મ્યુચલ ફંડ એડવાઈઝરી કમિટી ની હાલમાં જ બેઠક થઈ હતી, જેમાં આ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. કોઈ કાયદાકીય અડચણ આવે નહીં તો તેમની ભલામણનો બહુ જલદી સ્વીકાર કરવામાં આવશે.
બજારના સૂત્રોના કહેવા મુજબ હાલ બજારમાં સિલ્વર ETFની ભારે ડિમાન્ડ છે. SEBI જો મ્યુચલ ફંડ કંપનીઓને સિલ્વર ETF લોન્ચ કરવાની મંજૂરી આપે છે. તો રોકાણકારોને રોકાણ માટે વધુ એક વિકલ્પ મળશે. સામાન્ય રીતે સોનુ ખરીદીને તેને ઘરમાં સંઘરવું સરળ છે પણ પ્રત્યક્ષમાં ચાંદી ખરીદીને તેને સંઘરવું મુશ્કેલ છે. તેથી રોકાણકારો માટે સિલ્વર ETF બહુ ફાયદામંદ સાબિત થઈ શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં ગોલ્ડ ETF અસ્તિત્વમાં છે. SEBI દ્વારા પ્રસ્તાવિત કર્યા બાદ 2002માં બેન્ચમાર્ક એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. જે 2007માં બજારમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.