ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 જુલાઈ, 2021
શનિવાર
ભારતમાં હાલ નેપાળ દેશમાંથી સોયાબીનનું તેલ આયાત કરવામાં આવી રહ્યું છે. ઝીરો ઇમ્પૉર્ટ ડ્યુટી હેઠળ નેપાળથી આવી રહેલું સોયાબીનનું આ તેલ જોકે હલકી ગુણવત્તાનું હોવાનું જણાઈ આવ્યું છે. આ તેલ મલ્ટિપલ બ્રાન્ડના નામ હેઠળ દેશમાં વેચાઈ રહ્યું છે. એથી આ તેલ ખાઈને લોકોના આરોગ્ય સામે જોખમ નિમાર્ણ ઊભું કરવામાં આવી રહ્યું હોવાનો સરકાર સામે આરોપ થઈ રહ્યો છે.
હલકી ગુણવત્તાના સોયાબીનના તેલના આયાત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વેપારી વર્ગ પણ નારાજ છે. અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના અધ્યક્ષ અને કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા (કૈટ)ના મહાનગર અધ્યક્ષ શંકર ઠક્કરે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે ઝીરો ઇમ્પૉર્ટ ડ્યુટી હેઠળ હલકી ગુણવત્તાનું તેલ આયાત કરીને સરકાર લોકોનાં આરોગ્ય સાથે રમી રહી છે. આ તેલ સસ્તું પડી રહ્યું હોવાથી આયાત થયેલા તેલના ભાવ ઓછા હોય છે. મધ્યમ અને નીચલા વર્ગના લોકો ગુણવત્તાનો વિચાર નહીં કરતાં ઓછા ભાવ જોઈને આ તેલ ખરીદવા લલચાતાં હોય છે. જે આગળ જઈને લોકોના આરોગ્ય માટે જોખમી બની શકે છે.
શંકર ઠક્કરે જણાવ્યું હતું કે નેપાળમાં તો સોયાબીનનું ઉત્પાદન પણ થતું નથી, છતાં ત્યાંથી સોયાબીનના તેલની આયાત કરવામાં આવે છે. એથી જ તેના પ્રોડ્ક્ટની ક્વૉલિટી પર શંકા જાય છે. દક્ષિણ એશિયાની મુક્ત વેપાર ક્ષેત્ર સંધિ હેઠળ નેપાળ અને બાંગ્લાદેશમાંથી ઝીરો ઇમ્પૉર્ટ ડ્યુટી હેઠળ સોયાબીન આયાત કરી શકાય છે. એ પ્રમાણે જ સૂરજમુખી તેલ પણ આ રીતે જ ત્યાંથી દેશમાં ઘુસાડવામાં આવી રહ્યું છે.
છેલ્લા છ મહિનામાંથી સોયાબીન અને સૂરજમુખી તેલની આયાતમાં એકાએક ઉછાળ આવ્યો છે. આ દેશથી આયાત થયેલા તેલ દેશમાં મલ્ટિપલ બ્રાન્ડના નામથી વેચાઈ રહ્યા છે. જોકે તેલના ડબ્બા અને બાટલાઓ પર મૅન્યુફૅક્ચરર કંપનીનું નામ, ઍડ્રેસ જેવી કોઈ માહિતી હોતી નથી. કાયદા મુજબ પૅકેજિંગ પર તમામ માહિતી આપવી આવશ્યક છે. છતાં તેના પર કોઈ જ માહિતી હોતી નથી. ફક્ત એની આયાત કરનારાનાં નામ હોય છે. નેપાળથી થતી તેલની ગુણવત્તાને લઈને અનેક વખત ફરિયાદો પણ આવી છે. આ તેલ એકદમ ગાઢું અને જામી જતું હોય છે. એથી ચોક્કસ આ તેલ ભેળસેળવાળું હોવું જોઈએ. છતાં લોકો સસ્તું તેલ હોવાથી ખરીદી રહ્યા હોવાનું શંકર ઠક્કરે કહ્યું હતું.
મુંબઈ શહેરમાં નકલી ઉત્પાદનો નો મોટો કારોબાર, કડક કાર્યવાહીની પ્રતીક્ષામાં દુકાનદારો… જાણો વિગત
નિષ્ણાતોના કહેવા મુજબ ઘરમાં આવતા મલ્ટિપલ બ્રાન્ડના સોયાબીન, મગફળી વગેરે તેલમાં મિલાવટ તો નથી એ જાણવા માટે એમાં યેલો બટર નાખવામાં આવે તો તેલનો કલર લાલ થઈ જાય છે. લાલ રંગ તેલમાં ભેળસેળ હોવાનું સાબિત કરે છે. નાળિયેરના તેલમાં મિલાવટ થઈ હોવાનું જાણવું હોય તો એને અડધો કલાક ફ્રિજમાં રાખી દેવું. તેલ થીજી જાય તો ચોખ્ખું માનવું અને જો તેલ ભેળસેળવાળું હશે તો એ તરતું રહેશે.