ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,29 જુલાઈ 2021
ગુરુવાર.
ઝવેરીઓ પાસે સ્ટોકમાં રહેલા સોનાના દાગીનાનું હોલમાર્કિંગ કરવાની મુદત 31 ઓગસ્ટ 2021 સુધી વધારી આપવામાં આવી છે. પરંતુ દેશભરમાં હોલમાર્કિંગ કરી આપનારા સેન્ટરની સંખ્યા અપૂરતી છે. તેથી સ્ટોકમાં રહેલા દાગીનાનું સમયસર હોલમાર્કિંગ નહીં થયું તો દંડાત્મક પગલા લેવામાં આવશે. તેના ડરે દેશભરના ઝવેરીઓ જૂના સ્ટોક પર હોલમાર્કિગ કરવાની મુદત એક વર્ષ સુધીની વધારી આપવાની માગણી કેન્દ્ર સરકારને કરી છે.
સોનાની શુદ્ધતા પર ભાર આપતા સરકારે સોનાના દાગીના પર હોલમાર્કિંગ ફરજિયાત કર્યું છે. પરંતુ હોલમાર્કિંગ કરનારા સેન્ટરની સંખ્યા ઓછી છે. મુંબઈમાં તો ફકત 52 જેટલા બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાર્ન્ડસ (BIS) દ્વારા માન્યતા પ્રાપ્ત સેન્ટર છે. તેથી 31 ઓગસ્ટ સુધી હોલમાર્કિંગ પૂરુ નહીં કરી શકાશે એવી ચર્ચા હાલ ઝવેરી બજારમાં ચાલી રહી છે.
ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડ સ્મિથ ફેડરેશના નેશનલ પ્રેસીડન્ડ પંકજ અરોરાએ હાલમાં જ કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલને પત્ર લખ્યો છે. તેમના કહેવા મુજબ હોલમાર્કિગ કરનારા સેન્ટરની અપૂરતી સંખ્યા છે. તેમાં પણ ગ્રામીણ વિસ્તારમાં તો ઝવેરીઓને વધારે તકલીફ છે. તેથી જૂના સ્ટોક પર હોલમાર્કિગ કરવાની મુદત વધારીને 31 ઓગસ્ટ 2022 સુધી કરી આપવી જોઈએ.
ઓલ ઈન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ અસોસિયેશનના મુંબઈ અધ્યક્ષ કુમાર જૈને જણાવ્યું હતું કે મુંબઈ જેવા શહેરોમાં હોલમાર્કિગ સેન્ટરની સંખ્યા ઓછી છે. દેશમાં પણ ફક્ત 933 હોલમાર્કિંગ સેન્ટર છે. તેની દરેકની ક્ષમતા 300 પીસ દાગીનાને હોલમાર્ક કરવાની છે. અત્યાર સુધી ચાર લાખ જવેલર્સમાંથી 59,390 લોકો પોતાનું રજીસ્ટ્રેશન BIS પાસે કરાવી ચૂકયા છે. હવે બહુ થોડા દિવસ બાકી રહ્યા છે. 31 ઓગસ્ટ સુધી તમામ જવેલર્સો હોલમાર્કિંગ કરાવી શકે એવું જણાતું નથી. તેથી સરકારે મુદત વધારી આપવી જોઈએ.