ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જુલાઈ, 2021
ગુરુવાર
બાંદરા-કુર્લા કૉમ્પલેક્સ (BKC)માં આવેલા ભારત ડાયમંડ બુર્સમાં પહેલી સપ્ટેમ્બરથી કોવિડ-19ની વેક્સિનનો પહેલો ડોઝ લેનારાને જ પ્રવેશ મળશે, તો પહેલી જાન્યુઆરી, 2022થી વેક્સિનના બંને ડોઝ લેનારી વ્યક્તિને જ પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારત ડાયમંડ બુર્સના વર્કિંગ કમિટીના મેમ્બર કિરીટ ભંસાણીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે ભારત ડાયમંડ બુર્સના તમામ વેપારી અને દલાલભાઈઓને અમે વહેલીમાં વહેલી તકે વેક્સિન લઈ લેવાની અપીલ કરી છે. હજી સુધી એ માટેની કોઈ નોટિસ બહાર પાડી નથી. ફક્ત અપીલ કરવામાં આવી છે. અમારો ઉદેશ્ય ભારત ડાયમંડ બુર્સમાં 100 ટકા વેક્સિનેશનનો છે. અત્યાર સુધી અમારે ત્યાં 70થી 80 ટકા લોકોનું વેક્સિનેશન થઈ ગયું છે. વેક્સિન લેવામાં જે લોકો બાકી છે, તેમને પ્રોત્સાહિત કરવા માટે જ અમે પહેલી સપ્ટેમ્બર સુધી વેક્સિન લઈ લેવાની અપીલ કરી છે.
બહુ જલદી એ મુજબનો અમે સકર્યુલર પણ બહાર પાડીશું એવું જણાવતાં કિરીટભાઈએ કહ્યું હતું કે હાલ તો અમે અપીલ કરી છે. ભારત ડાયમંડ બુર્સમાં આવનારી વ્યક્તિએ પહેલી સપ્ટેમ્બરથી ઓછોમાં ઓછો એક ડોઝ લીધેલો હોવો જ જોઈએ અથવા તો RT-PCRનો રિપૉર્ટ સાથે રાખવો પડશે. એ પણ 15 દિવસથી વધુ જૂનો ના હોવો જોઈએ. અમુક લોકોએ મેડિકલ કારણથી વેક્સિન નથી લીધી, તેમણે મેડિકલ સર્ટિફિકેટ સાથે રાખવું પડશે.
વેપારીઓમાં વેક્સિનેશન ઝડપી થાય એ માટે ભારત ડાયમંડ બુર્સમાં જ વેક્સિનેશન સેન્ટર ખોલવા આવ્યું હોવાની માહિતી આપતાં કિરીટભાઈએ જણાવ્યું હતું કે વેપારી, દલાલભાઈઓની ફરિયાદ આવતી હતી કે બહાર વેક્સિન મેળવવાના વાંધા છે. લોકોને વેક્સિન મળતી નથી. એથી અમે બુર્સની અંદર જ વેક્સિનેશન સેન્ટર ખોલ્યું છે. એમાં રોજના 300થી 400 લોકોને વેક્સિન આપવામાં આવે છે.
વેપારીઓને હેરાન કરવા નહીં, પણ સરકારને આપેલા વચનનું પાલન કરવા સખત થવાની જરૂર છે એવું બોલતાં કિરીટભાઈએ કહ્યું હતું કે લૉકડાઉન દરમિયાન સોશિયલ ડિસ્ટિન્સિંગનું પાલન કરવાથી લઈને તમામ નિયમોનું પાલન કરવાની અમે સરકારને ખાતરી આપી હતી. એથી તેમણે અમને વેપાર ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. અમે પણ ભારત ડાયમંડ બુર્સના તમામ વેપારી, દલાલભાઈઓ અને સ્ટાફનું વેક્સિનેશન ઝડપી થાય એના પ્રયાસમાં છીએ.
મુંબઈ સહિત મહારાષ્ટ્રના વેપારીઓ હવે સરકાર સમક્ષ કરી આ માગણી; જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે હાલ કોરોના મહામારીને પગલે ભારત ડાયમંડ બુર્સમાં રોજના 25,000થી 30,000 લોકો આવે છે. બાકી સામાન્ય સંજોગમાં આ આંકડો રોજનો 50,000નો હોય છે.