ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જુલાઈ, 2021
બુધવાર
કેન્દ્ર સરકારે સોનાના દાગીના પર હૉલમાર્કિંગ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો હતો તેમ જ ઝવેરીઓ પાસે સ્ટૉકમાં રહેલા સોનાના દાગીનાનું હૉલમાર્કિંગ કરવાની મુદત પણ 31 ઑગસ્ટ સુધી વધારી આપી છે, પરંતુ દેશભરમાં હૉલમાર્કિંગ કરનારા સેન્ટરની સંખ્યા ઓછી હોવાથી સ્ટૉકમાં રહેલા દાગીનાનું સમયસર હૉલમાર્કિંગ નહીં થયું તો સરકારની દંડાત્મક કાર્યવાહીનો ઝવેરીઓને ભય સતાવી રહ્યો છે.
સોનાની શુદ્ધતા પર ભાર આપતાં સરકારે સોનાના દાગીના પર હૉલમાર્કિંગ ફરજિયાત કરી નાખ્યું છે. જોકે એની સામે હૉલમાર્કિંગ કરનારા સેન્ટરની સંખ્યા ઓછી છે. મુંબઈમાં તો ફકત 52 જેટલા બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાર્ન્ડસ (BIS) દ્વારા માન્યતા પ્રાપ્ત સેન્ટર છે. એથી 31 ઑગસ્ટ સુધી હૉલમાર્કિંગ પૂરુ નહીં કરી શકાય એવી ચર્ચા હાલ ઝવેરીબજારમાં ચાલી રહી છે.
ઑલ ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશનના મુંબઈ અધ્યક્ષ કુમાર જૈને જણાવ્યું હતું કે હૉલમાર્કિંગ કરવાનો સરકારનો ઇરાદો નેક છે. એનાથી લોકોને મિલાવટને બદલે ચોખ્ખુ સોનું મળતું થશે. બજારમાં નાના ઝવેરીઓ માટે પણ અત્યાર સુધી મોટા મોટા જ્વેલર્સોને કારણે ટકવું મુશ્કેલ હતું. જોકે હવે હૉલમાર્કિંગને કારણે બજારમાં તેમના માટે પણ તક ઊભી થઈ છે. જોકે મુંબઈમાં હૉલમાર્કિંગના સેન્ટરની સંખ્યા ઓછી છે. હૉલમાર્કિંગ અને હાલમાં જ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલા હૉલમાર્કિંગ યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (HUID)ની પ્રક્રિયામાં ચારથી પાંચ દિવસનો સમય જતો હોય છે. એથી સરકારે હૉલમાર્કિંગ સેન્ટરની સંખ્યા વધારવી જોઈએ. 31 ઑગસ્ટનો સમય નજીક આવી રહ્યો છે, પરંતુ ત્યાં સુધીમાં કેટલા ઝવેરીઓ પોતાના માલ-સામાનનું હૉલમાર્કિંગ કરાવવામાં સફળ થશે એ સવાલ છે.
શું ખરેખર સોના પર હોલમાર્કિંગ ફરજિયાત કરીને સરકારે એક તીરે બે નિશાન માર્યા ? જાણો વિગત
દેશના જ્વેલરી ઉદ્યોગના ઍસોસિયેશન સાથે સંકળાયેલા અગ્રણી ઝવરીએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે મુંબઈમાં 52ની આસપાસ અને દેશમાં ફક્ત 933 હૉલમાર્કિંગ સેન્ટર છે. એની દરેકની ક્ષમતા 300 પીસ દાગીનાને હૉલમાર્ક કરવાની છે. અત્યાર સુધી ચાર લાખ જ્વેલર્સમાંથી 59,390 લોકો પોતાનું રજિસ્ટ્રેશન BIS પાસે કરાવી ચૂક્યા છે. હવે બહુ થોડા દિવસ બાકી રહ્યા છે. 31 ઑગસ્ટ સુધી તમામ જ્વેલર્સો હૉલમાર્કિંગ કરાવી શકે એવું જણાતું નથી. એથી સરકારે મુદત વધારી આપવી જોઈએ.