ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 જૂન 2021
શુક્રવાર
મુંબઈમાં બ્રેક ધ ચેઇન હેઠળ મહારાષ્ટ્ર સરકારે નિયંત્રણો હળવાં કર્યાં છે. BMCએ મુંબઈમાં વેપારીઓને સવારના સાતથી બપોરના બે વાગ્યા સુધી એક દિવસ છોડીને એક દિવસ દુકાનો ખુલ્લી રાખવાની છૂટ પણ આપી છે. છતાં વેપારીઓ મુંબઈ મનપા પર નારાજ થઈ ગઈ છે. વેપારીઓનું નેતૃત્વ કરનારી સંસ્થા ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલફેર ઍસોસિયેશને મુંબઈ પાલિકાના કમિશનરને નારાજગી વ્યક્ત કરતો પત્ર પણ લખ્યો છે.
ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલફેર ઍસોસિયેશના અધ્યક્ષ વિરેન શાહના જણાવ્યા મુજબ વેપારીઓને શરતી છૂટ આપવામાં આવી છે. એક દિવસ છોડીને દુકાનો ખોલવાનો આદેશ આપ્યો છે. એની સામે ફેરિયાઓને કોઈ નિયમ લાગુ નથી પડતા. તેઓ દરરોજ રસ્તાની બંને તરફ બેસી જતા હોય છે. દાદર (પશ્ચિમ)માં ફૂટપાથની બંને તરફ ફેરિયાઓએ અડીંગો જમાવી દીધો છે. જી-ઉત્તર વૉર્ડના દાદરમાં મોટા ભાગના રસ્તાની એવી જ હાલત છે. ખાસ કરીને એન. સી. કેલકર રોડ, રાનડે રોડ, એમ. સી. જાવડે રોડ, સ્ટેશન રોડ, કોહિનૂર પ્લાઝાની બંને તરફ રસ્તા પર ફેરિયા બેસે છે.
ફેરિયાઓને કારણે રસ્તા પર ભીડ થઈ રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન નથી થતું. છતાં પાલિકા દુકાનો ખુલ્લી રાખવાથી કોરોનાના કેસમાં વધારો થાય છે એવું કારણ આપીને દુકાનવાળા સામે નિયમ લાવી રહી છે. જોકે આ તમામ નિયમો ફેરિયાઓને લાગુ નથી પડતા એવી નારાજગી પણ વેપારીઓએ વ્યક્ત કરી હતી.