ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022
શનિવાર.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ 13.14 કરોડ રૂપિયાની લક્ઝરી કાર ખરીદી છે. ઉદ્યોગપતિએ ખરીદેલી આ હૈચબૈક કાર બ્રિટિશ લક્ઝરી વાહન નિર્માતા રોલ્સ રોયસની છે. રોલ્સ રોય્સ કલિનન પેટ્રોલ મોડલ કારને દક્ષિણ મુંબઈના તારદેવ ક્ષેત્રીય પરિવહન કાર્યાલય (આરટીઓ) ખાતે કંપની દ્વારા રજિસ્ટર કરાવવામાં આવી છે.
RTO અધિકારીઓના જણાવ્યા અનુસાર, રોલ્સ રોય્સના કલિનન મોડલવાળી આ પેટ્રોલ કાર દેશમાં ખરીદાયેલી સૌથી મોંઘી ગાડીઓમાંની એક છે. જાણવા મળ્યા મુજબ મુકેશ અંબાણી પોતે જ આ ગાડીનો ઉપયોગ કરશે. આ કાર માટે વધારાના 12 લાખ રૂપિયા ચુકવીને એક વીઆઈપી નંબર પણ લેવામાં આવ્યો છે. અધિકારીઓના કહેવા પ્રમાણે આ નંબર 0001થી ખતમ થાય છે. ખાસ વાત એ છે કે, એક વીઆઈપી નંબર માટે લોકોએ 4 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે પરંતુ જે નંબર પસંદ કર્યો તે વર્તમાન સીરીઝમાં ઉપલબ્ધ નહોતો માટે આ નંબર માટે RTO દ્વારા એક નવી સીરીઝ શરૂ કરવામાં આવી.
મુંબઈ મનપાએ સતત બીજી વખત કર્યો આ રેકોર્ડ, મુંબઈગરાને થશે મોટો ફાયદો; જાણો વિગત
કંપનીએ 2.5 ટન કરતાં વધારે વજનવાળી અને 564 બીએચપી પાવરની 12-સિલિન્ડર કાર માટે 'ટસ્કન સન' રંગ પસંદ કર્યો છે. કંપનીએ આ લક્ઝરી કારના રજીસ્ટ્રેશન માટે રૂ. 20 લાખનો એકીકૃત ટેક્સ ચૂકવ્યો છે. તેનું રજીસ્ટ્રેશન 30 જાન્યુઆરી 2037 સુધી માન્ય રહેશે. આ સિવાય રોડ સેફ્ટી ટેક્સ તરીકે 40,000 રૂપિયા પણ ચૂકવવામાં આવ્યા છે. રિલાયન્સ કંપનીના કાફલામાં પહેલાથી જ ઘણા મોંઘા વાહનો સામેલ છે. રોલ્સ રોયસનું આ વાહન મોડલ કેટલાક અન્ય ઉદ્યોગપતિઓ અને બોલિવૂડ સેલિબ્રિટીઓ પાસે પણ છે.
ઉલ્લેખનીય છે કે આ કારને પહેલીવાર રોલ્સ રોયસ દ્વારા વર્ષ 2018માં બજારમાં ઉતારવામાં આવી હતી. તે સમયે તેની કિંમત 6.95 કરોડ રૂપિયાથી શરૂ થતી હતી, પરંતુ ઓટો ઈન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે ગ્રાહકની માંગ પ્રમાણે આ કારમાં ફેરફાર કર્યા બાદ તેની કિંમત વધે છે.
 
			         
			         
                                                        