ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 જુલાઈ 2021
શનિવાર
બૅન્કિંગ રેગ્યુલેશન ઍક્ટ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા સહકારી બૅન્કોને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો ભય રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ (NCP)ને સતાવી રહ્યો છે. જો એવું થાય તો મહારાષ્ટ્રની મોટા ભાગની સહકારી ક્ષેત્રની બૅન્કો અને સુગર ફૅક્ટરીઓ પર પ્રભુત્વ ધરાવતા NCP માટે રાજ્યમાં અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ થઈ શકે છે. સહકારી ક્ષેત્રે મહારાષ્ટ્રમાં NCPની પકડ છે. આ ચિંતાને લઈને આગામી દિવસમાં NCPના પ્રમુખ શરદ પવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરવાના હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.
બૅન્કિંગ રેગ્યુલેશન ઍક્ટમાં કરવામાં આવેલા સુધારા વિશે શરદ પવાર નરેન્દ્ર મોદીની મુલાકાત કરવા માગે છે. NCP પહેલાંથી આ સુધારા સામે વિરોધ કરી રહી છે. બૅન્કિંગ રેગ્યુલેશન ઍક્ટના સુધારાને કારણે સહકારી બૅન્કોના અસ્તિત્વ સામે જોખમ નિર્માણ થવાની શક્યતા છે. 100 વર્ષનો ભવ્ય ઇતિહાસ ધરાવતા સહકારી (કૉ-ઑપરેટિવ) બૅન્કનું સહકારી સ્વરૂપ જળવાઈ રહેવું જોઈએ તેમ જ ખાનગી બૅન્કોને વધુ સત્તા આપીને કૉ-ઑપરેટિવ બૅન્ક સામે જોખમ ઊભું કરવું ના જોઈએ, એવી રજૂઆત શરદ પવાર કરવાના હોવાનું કહેવાય છે.
સારા સમાચાર : દેશના 2.5 કરોડ વેપારીઓને હવે આ કારણથી બૅન્ક પાસેથી મળશે લોન; જાણો વિગત
મહારાષ્ટ્રમાં સહકારી ક્ષેત્ર તેમ જ સુગર ફૅક્ટરી પર NCPની જબરદસ્ત પકડ છે. આર્થિક રીતે NCP આ કારણે જ મજબૂત હોવાનું કહેવાય છે. એથી સરકારના આ નિર્ણયનો પહેલાંથી તેઓ વિરાધ કરી રહ્યા છે. મહાવિકાસ આઘાડી સરકારે જિલ્લા અને શહેરોની કૉ-ઑપરેટિવ બૅન્કને વધુ મજબૂત બનાવવા માટે ભલામણ કરવા સહકાર પ્રધાન અને NCPના વિધાનસભ્ય બાળાસાહેબ પાટીલના પ્રમુખપદે એક કમિટીની રચના પણ કરી છે.
અહીં ઉલ્લેખનીય છે કૅબિનેટના વિસ્તરણ દરમિયાન નવા રચવામાં આવેલા સહકાર ક્ષેત્ર ખાતાનો ચાર્જ અમિત શાહને આપવામાં આવ્યો છે. એના પાછળનું ખાસ કારણ મહારાષ્ટ્રના સહકાર ક્ષેત્રને પોતાના નિયંત્રણ હેઠળ લાવવા માટેનું કહેવાય છે. એક વખત સહકાર ક્ષેત્ર પોતાના નિયંત્રણમાં આવી જાય તો ભાજપ માટે NCPને દબાવવું સહેલું રહેશે એવું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.