ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 જૂન 2021
શુક્રવાર
કોરોના અને લૉકડાઉનનો મોટો ફટકો દક્ષિણ મુંબઈની પ્રખ્યાત કાપડબજારના વેપારીઓને પણ પહોંચ્યો છે. લાંબા સમયથી રહેલા લૉકડાઉન તેમ જ લોકલ ટ્રેનની સેવા સામાન્ય નાગરિકો માટે બંધ છે. એને પગલે ગ્રાહકોએ દક્ષિણ મુંબઈની સ્વદેશી કાપડબજાર, મંગલદાસ માર્કેટ, એલ. કે. કાપડબજાર તરફથી મોઢું ફેરવી લીધું છે. ગ્રાહકોને અભાવે આ બજારના વેપારીઓ નાદારીએ પહોંચી ગયા છે. પેઢી દરપેઢીથી અહીં વ્યવસાય કરનારા કાપડના વેપારીઓ માટે અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ થઈ ગયું છે.
મંગલદાસ માર્કેટ સાથે સંકળાયેલા કાપડબજારના વેપારીના કહેવા મુજબ બ્રેક ધ ચેઇન હેઠળ મુંબઈ મહાનગરપાલિકાએ સવારના 9થી સાંજે 4 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી તો આપી દીધી છે, પરંતુ લોકલ ટ્રેનની સેવા સામાન્ય નાગરિકો માટે બંધ છે. જ્યાં સુધી લોકલ ટ્રેન જ ચાલુ નહીં થાય ત્યાં સુધી ગ્રાહકો બજાર સુધી ખરીદી માટે આવશે નહીં. સવારથી સાંજ સુધી વેપારીઓ દુકાનો ખુલ્લી રાખીને બેઠા હોય છે, પરંતુ ગ્રાહકોને અભાવે ધંધો જ નથી. ગ્રાહકોની રાહ જોતા બેસી રહ્યા સિવાય કશું કરી શકાય એમ રહ્યું નથી.
કાલબાદેવીમાં આવેલી સ્વદેશી બજાર સાથે સંકળાયેલા વેપારીએ કહ્યું હતું કે વેપારીને દુકાન ખોલવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ ટ્રેન સિવાય ઉપનગરમાં રહેતા અમારા ગ્રાહકો અમારી દુકાનમાં ખરીદી માટે કેવી રીતે આવશે. પહેલાંથી કોરોનાને કારણે રહેલા લૉકડાઉનમાં અમે બરબાદ થઈ ગયા હતા. હવે દુકાનો ખોલીને પણ ગ્રાહકો નહીં આવતા હોવાથી નાદારીની નજીક પહોંચી ગયા છીએ. આવી જ પરિસ્થિતિ રહી તો બહુ જલદી દુકાન બંધ કરી દેવી પડશે. કામગારોના પગાર, દુકાનોનાં ભાડાં, પાલિકાને આપવી પડતી ફી, લાઇટબિલ વગેરે કેવી રીતે ભરવાં એવો સવાલ થઈ પડ્યો છે.
નવી મુંબઈના આંદોલનને કારણે વેપારીઓને વેઠવું પડ્યું, APMC માર્કેટ બંધ; જાણો વધુ વિગત
માટુંગામાં ગાર્મેન્ટ મૅન્યુફૅક્ચરિંગનો વ્યવસાય કરનારા કીર્તિ હરાયાએ કહ્યું હતું કે અમે તો લૂંટાઈ ગયા છીએ. ધંધાપાણી નથી, તમામ વેપારી વર્ગ તકલીફ ભોગવી રહ્યો છે. કોઈ જાતનો ધંધો નથી. અમે તો મૅન્યુફૅક્ચરિંગ વેપાર સાથે સંકળાયેલા છે. રિટેલમાં જ ગ્રાહકો નથી તો અમે હોલસેલરનો વ્યવસાય કરીએ છીએ. એટલે હોલસેલરનું તો પૂછવું શું? સરકારે કરવેરામાં રાહત આપવી જોઈએ. અમે તો નાના વેપારી છીએ. ખાવાપીવાના વાંધા છે. કારખાનાં ભાડાં પર હોય છે, તેમને પણ તકલીફ છે. જલદી જ લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકોને મંજૂરી આપવી જોઈએ. જેથી ગ્રાહકો ખરીદી માટે બહાર નીકળે અને રોજગાર-ધંધાને નવજીવન મળે.