ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑગસ્ટ, 2021
સોમવાર
વિદેશી કંપની ઍમેઝોન.કૉમ અને વૉલમાર્ટની ફ્લિપકાર્ટ સામે સતત બે વર્ષથી સુપ્રીમ કોર્ટમાં ચાલેલી લડાઈમાં છેવટે વેપારીઓની જીત થઈ છે. ઍમેઝોન અને ફ્લિપકાર્ટે તેમની સામે ચાલી રહેલી તપાસ હોલ્ડ પર રાખવાની માગણી કરી હતી, જેને સોમવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી તેમ જ બંને કંપનીઓ સામે ચાલી રહેલી તપાસને પણ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.
કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા (CCI)એ 2020ની સાલમાં આ બંને કંપનીઓ સામે તપાસનો આદેશ આપ્યો હતો. આ બંને કંપનીઓ સામે તેમના ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પર કથિત રીતે સિલેક્ટેડ કંપનીઓને પ્રમોટ કરવાનો તેમ જ બિઝનેસમાં થતી સ્પર્ધાને દબાવી નાખવા અપનાવમાં આવેલા ખોટા અખતરા સામે ફરિયાદ કરવામાં આવી હતી. કંપની દ્વારા સતત તેમના પર કરવામાં આવેલા આરોપને ફગાવી દેવામાં આવી રહ્યા હતા તથા તપાસ અટકાવવાના મુદ્દે તેઓ કોર્ટમાં લઈ ગયા હતા. છેવટે ત્રણ જજની બનેલી કમિટીએ આ બંને કંપનીઓ સામે તપાસ ચાલુ રાખવાનો આદેશ સોમવારે સુનાવણી દરમિયા આપ્યો હતો.
કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા, રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ અને CAITના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે આ ચુકાદાને વધાવ્યો હતો. શંકર ઠક્કરે કહ્યું હતું કે તપાસ બંધ કરવાની બંને કંપનીઓની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. એથી CCI દ્વારા બંને કંપનીઓના બિઝનેસ મોડ્યુલની તપાસ આડેનો અવરોધ દૂર થયો છે. બંને કંપનીઓને CCI દ્વારા મોકલવામાં આવેલા સવાલના જવાબ આપવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપવામાં આવ્યો છે.