News Continuous Bureau | Mumbai
દેશભરની રેલ્વે લાઈનોનું વીજળીકરણ કરવાનું બાકી છે. તેથી ડીઝલ ટ્રેન ઘણા રૂટ પર ચાલે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેલની કિંમતો વધવાથી ટ્રેનની ટિકિટ પણ મોંઘી થઈ શકે છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૧૫ એપ્રિલથી ડીઝલ ટ્રેનોની ટિકિટ પર વધારાના ચાર્જ વસૂલવામાં આવી શકે છે. જાે કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી.
ડીઝલ એન્જિન દ્વારા ચાલતી ટ્રેનોની ટિકિટ પર હાઇડ્રોકાર્બન ચાર્જ અથવા ડીઝલ ટેક્સ લેવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. રેલવે બોર્ડ હાઈડ્રોકાર્બન સરચાર્જ અથવા ડીઝલ ટેક્સ ૧૦ રૂપિયાથી લઈને ૫૦ રૂપિયા સુધી વસૂલવાની યોજના ધરાવે છે. આ ચાર્જ તે ટ્રેનો પર વસૂલવામાં આવશે જે તેમની લગભગ અડધી મુસાફરી માટે લોકોમોટિવ અથવા એન્જિન પર ચાલે છે. જે રૂટ પર સંપૂર્ણ રીતે વિદ્યુતીકરણ નથી થયું તેના પર ડીઝલ એન્જિન વડે ટ્રેનો ચલાવવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડ ડીઝલ ટેક્સ અથવા હાઇડ્રોકાર્બન સરચાર્જ લાદવાનું વિચારી રહ્યું છે. ગ્લોબલ માર્કેટમાં તેલના વધતા ભાવને ડીઝલ ટેક્સમાં વધારો અથવા ટિકિટના ભાવમાં વધારા પાછળ કારણ માનવામાં આવી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : પડતા પર પાટુ, ગુજરાતમાં સીએનજીના ભાવમાં ફરીથી થયો આટલા રૂપિયાનો વધારો, જાણો આજના નવો ભાવ
રુસ-યુક્રેન યુદ્ધ સિવાય કોવિડ બાદ અર્થવ્યવસ્થામાં આવેલી તેજીએ તેલના ભાવમાં વધારો કર્યો છે. ભારતમાં તેલની મોટાભાગની જરૂરિયાત આયાત પર નિર્ભર છે. વિશ્વ બજારમાં ભાવ વધારાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ કિંમતોને ઘટાડવા માટે રેલ્વેએ સરચાર્જ લાદવા અથવા ટિકિટના ભાવમાં વધારો કરવાનું વિચાર્યું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એસી ક્લાસની ટિકિટ માટે નવો સરચાર્જ ૫૦ રૂપિયા હશે જ્યારે સ્લીપર ક્લાસની ટિકિટ માટે ૨૫ રૂપિયા હશે. આ ટ્રેનોમાં સામાન્ય વર્ગની ટિકિટમાં ૧૦ રૂપિયાનો વધારો થશે. ઉપનગરીય ટ્રેનની મુસાફરીની ટિકિટ પર આવો કોઈ સરચાર્જ લેવામાં આવશે નહીં. રેલ્વે બોર્ડે અધિકારીઓને એવી ટ્રેનોની ઓળખ કરવાનો નિર્દેશ આપ્યો છે જે ડીઝલ લોકોમોટિવ પર ચાલે છે અને જેની કુલ મુસાફરીનું અંતર ડીઝલ લોકોમોટીવ પર ૫૦ ટકા છે. દર ત્રણ મહિને ટ્રેનોની યાદી બદલવામાં આવશે.
નોંધનીય છે કે ૧૫ એપ્રિલ પહેલા બુક કરાયેલી ટ્રેન ટિકિટ પર સરચાર્જ વસૂલવામાં આવશે કે કેમ તે અંગે કોઈ માહિતી નથી. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ તેમજ સાઉદી અરેબિયા અને યમન વચ્ચેના તણાવ વચ્ચે વૈશ્વિક તેલની કિંમતો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી છે. ભારત રશિયા પાસેથી સબસિડીવાળા ભાવે તેલની આયાત કરતું હોવા છતાં પણ સ્થિતિ ચિંતાનો વિષય છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ૧૪ દિવસમાં ૧૨ વખત વધારા સાથે રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયા છે.