ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
કોરોનાના સમયગાળામાં નાગરિકો માટે એક માઠા સમાચાર છે. એક તરફ બેરોજગારીએ માઝા મૂકી છે અને બીજી બાજુ ઘણા વ્યવસાય મંદ પડ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા જાય છે અને ટૉલ ટૅક્સમાં પણ વધારો કરાયો છે. તેથી વેપારી સંગઠનોનો વરતારો છે કે આવનાર દિવસોમાં મોંઘવારી વધવાની શક્યતા છે.
વાત એમ છે કે આ સમયગાળામાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયને મોટો ફટકો લાગ્યો છે. તેમાં વળી ગત ચાર મહિનાથી ડીઝલના 10 ટકા અને ટૉલ ટૅક્સમાં 10થી 20 ટકા વધારો થવાથી ટ્રક માલ પરિવહન ભાડું વધી ગયું છે. માટે આવશ્યક વસ્તુઓના ભાવ વધી શકે છે. તેવું કંફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના મહાનગરના અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું છે.
આ શહેરમાં આવ્યો ભૂકંપ, વહેલી સવારે લોકો ઘરની બહાર દોડી આવ્યા
સૌથી વધુ વ્યસ્ત મુંબઈ-દિલ્હી માર્ગ સહિત બધા જ માર્ગો માટે ટ્રકના ભાડામાં 10થી 15 ટકા વધારો થયો છે. ટ્રક પરિવહનમાં સૌથી વધુ ખર્ચ ડીઝલ પર થાય છે. મુંબઈમાં મે 2021માં ડીઝલના ભાવ 87.81 રૂપિયા પ્રતિ લીટર હતા, જે હવે 96.19 રૂપિયા ઉપર પહોંચી ગયા છે. વેપારીઓના વારંવાર નિવેદન છતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ડીઝલ પર ટૅકસના દરમાં ઘટાડો કરી રહી છે. ડીઝલ સિવાય ભારે ટૉલ ટૅક્સ પણ ટ્રાન્સપોર્ટરોની ચિંતાનું બીજું કારણ છે. જેમાં સરકાર કોઈ રાહત આપી નથી રહી અને દરેક માર્ગ પર ટૉલ ટૅક્સમાં વધારો થઈ રહ્યો છે.
આ સંદર્ભે શંકર ઠક્કરે વધુ જણાવ્યું હતું કે મોંઘાં ડીઝલ-પેટ્રોલ તથા ટ્રક પરિવહન ભાડામાં વધારાને કારણે અનાજ, તેલ, ફળ, શાકભાજી સહિત બધી જ જીવનાવશ્યક વસ્તુઓ મોંઘી થઈ રહી છે. તહેવારોમાં ટ્રકની અછત વર્તાય છે, જેને લીધે માલ પરિવહનનું ભાડું વધે છે, ત્યારે મોંઘવારીનો ભડકો થશે. કેન્દ્ર સરકારનું જીએસટી રાજસ્વ દર મહિને વધી રહ્યું છે, તો તેણે પેટ્રોલ-ડીઝલ પર ગત વર્ષે વધારેલી એક્સાઇઝ ડ્યૂટીને પાછી ખેંચી લેવી જોઈએ, જેથી જનતાને મોંઘવારીમાંથી રાહત મળી શકે.