ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧
બુધવાર
કેન્દ્ર સરકારે દાળ અને કઠોળ પર સ્ટૉક લિમિટનો જે નિર્ણય લીધો છે, એનાથી વેપારી વર્ગમાં ભારે અસંતોષ છે. દેશમાં દાળ અને કઠોળની અછત નથી, છતાં સ્ટૉક લિમિટ લાદવામાં આવી હોવાથી નારાજ વેપારીઓએ હવે એક દિવસના બંધનું એલાન કરી દીધું છે. ૧૬ જુલાઈના રોજ તમામ વેપારી સંગઠનોએ જથ્થાબંધ માર્કેટમાં બંધ પાળવાનો નિર્ણય લીધો છે.
આ અંગે ચેમ્બર ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઑફ ટ્રેડના ચૅરમૅન મોહન ગુરનાનીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “APMCના લીડર અને મહારાષ્ટ્રનાં બીજા વેપારી સંગઠનોએ ૧૬ જુલાઈથી શરૂ થતા સંસદના સત્રના દિવસે એક દિવસનો બંધ પાળવાનું નક્કી કર્યું છે.” તેઓ કહે છે કે સ્ટૉક લિમિટ ત્યારે લાદવામાં આવે છે, જ્યારે માર્કેટમાં ભાવવધારો હોય, પરંતુ હાલ મિનિમમ સપોર્ટ પ્રાઇઝ (MSP) કરતાં પણ ભાવ ઓછા છે. આવામાં આ સ્ટૉક લિમિટ નાખવી ભ્રષ્ટાચારને નોંતરવા જેવું છે. ઉપરાંત આ વેપારીઓનું પણ શોષણ છે.
આ બાબતે ગ્રેન રાઇસ ઍન્ડ ઑઇલ સીડ્સ મર્ચન્ટ ઍસોસિયેશન (ગ્રોમા)ના પ્રમુખ શરદ મારૂએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “હજી ગત વર્ષે જ મુક્ત વ્યાપારને પ્રોત્સાહન આપવા સ્ટૉક લિમિટ હટાવી હતી. એવામાં ફરી આ પગલાથી વેપારીઓની હાલાકી વધશે.” વેપારીઓને કોરોનાના કારણે પહેલેથી જ નુકસાન થયું છે. એમાં આ પગલું પડ્યા ઉપર પાટું જેવું સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે વેપારીઓ સિઝનમાં માલ ભરી રાખે છે અને કોલ્ડ સ્ટોરેજમાં તેને સાચવવામાં આવે છે, જેથી ગ્રાહકોને વર્ષ દરમિયાન સમાન ગુણવત્તાની વસ્તુ મળે. આ સ્ટૉક લિમિટને કારણે કોલ્ડ સ્ટોરેજ નહિ,પણ દુકાનોમાં પૂરતો માલ ભરી શકાશે નહીં.