ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 જુલાઈ, 2021
ગુરુવાર
કોરોનાને પગલે લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવાની વેપારીઓ સતત માગણી કરી રહ્યા છે. તેમની માગણી તરફ સતત દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે. એથી વેપારી વર્ગમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે ગુરુવારે સવારે “હવે તો સરકાર જાગે, પોતાની આંખો ખોલે” એવા હૉર્ડિંગ્સ સાથે થાણેમાં કલેક્ટર ઑફિસની બહાર મોટી સંખ્યામાં થાણેના વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યાં હતાં.
અગાઉ લૉકડાઉનને કારણે રહેલા પ્રતિબંધો અને હવે સાંજે ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની સમયમર્યાદાને કારણે વેપારધંધો ઠપ્પ થઈ ગયો છે. વેપારીઓ આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે. સરકાર વેપારીઓને સાંભળતી નથી એવી વેપારીઓએ ફરિયાદ પણ કરી હતી.
કલેક્ટર ઑફિસ બહાર વિરોધ પ્રદર્શન કરનારા વેપારીઓના કહેવા મુજબ સતત લાદવામાં આવેલા લૉકડાઉન અને સાંજે ચાર વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાની આપેલી મંજૂરીને કારણે વેપાર ઠપ્પ થઈ ગયો છે, પરંતુ ઈ-કૉમર્સ કંપનીઓને ઘી-કેળાં થઈ ગયાં છે. વેપારીઓ બરબાદ થઈ ગયા છે, સરકાર ક્યારે જાગશે. લોકોની નોકરી, વેપારધંધો છીનવાઈ રહ્યાં છે. એથી દુકાનો ખુલ્લી રાખવાની સમયમર્યાદા દૂર કરો એવી માગણી પણ વેપારીઓએ હૉર્ડિંગ્સ દ્વારા કરી હતી.
31 ઑગસ્ટ નજીક આવતાં દેશભરના ઝવેરીઓની ચિંતા વધી ગઈ; જાણો કેમ?
આ વિરોધ પ્રદર્શનમાં નવપાડા વેપારી વેલ્ફેર ઍસોસિયેશન, સુભાષપથ વેપારી મંડળ, મહાગિરિ માર્કેટ વેપારી મંડળ, કલવા વેપારી મંડળ, કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ , અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘ જેવાં જુદાં-જુદાં ઍસોસિયેશન સાથે જોડાયેલા વેપારીઓ જોડાયા હતા.