ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑગસ્ટ, 2021
સોમવાર
કોરોનાની ત્રીજી લહેરનું કારણ આગળ કરીને મહારાષ્ટ્ર સરકાર દુકાનો ખુલ્લી રાખવના સમયમાં છૂટછાટ આપવાથી દૂર ભાગી રહી છે. રાજ્યમાં ઠેરઠેર વેપારીઓમાં અસંતોષ જાગ્યો છે. થાણે, નવી મુંબઈ, પુણેમાં વેપારીઓએ આંદોલનની ચીમકી આપી છે, ત્યારે સરકાર જો બે દિવસમાં કોઈ નિર્ણય નહીં લે તો સમગ્ર રાજ્યમાં આંદોલનનું શસ્ત્ર ઉપાડી લેવાની તૈયારીમાં વેપારીઓ લાગી ગયા છે. સરકારે નિર્ણય નહીં લીધો તો વેપારીઓને પોતાની જાતને બચાવવા માટે ક્રાંતિ એકમાત્ર વિકલ્પ દેખાઈ રહ્યો છે. વેપારીઓ તૈયાર થઈ જાઓ પોતાના અસ્તિત્વને ટકાવવાની ક્રાંતિ માટે…! એવી હાકલ ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ ઍસોસિયેશને કરી છે.
ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ ઍસોસિયેશન પ્રેસિડેન્ટ અને ચેમ્બર ઑફ ઍસોસિયેશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ – કેમિટના સેક્રેટરી મિતેષ મોદીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે સરકારને અમે બે દિવસનો સમય આપ્યો છે. મંગળવારે કદાચ ટાસ્ક ફોર્સની બેઠક થવાની છે. કદાચ એમાં સરકાર કોઈ રાહત આપે એવી અમારી અપેક્ષા છે. અન્યથા વેપારીઓ માટે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે રસ્તા પર ઊતરીને ક્રાંતિ કરવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. મંગળવાર સાંજ સુધીમાં સરકારે કોઈ જાહેરાત નહીં કરી તો અમારી પાસે કાયદાનો ભંગ કર્યા સિવાય કોઈ ઉપાય બચતો નથી.
મિતેષ મોદીએ જણાવ્યું હતું કે મુંબઈ અનલૉકિંગ લેવલ વનની રાહતો મેળવાને પાત્ર હોવા છતાં મુંબઈના વેપારીઓ અને પ્રજા ઉપર લેવલ થ્રીના પ્રતિબંધો ચાલુ રાખવામાં આવ્યા છે. અસંખ્ય વિનંતીઓ, દરખાસ્તો અને રજૂઆતો કરવામાં આવી હતી. મિનિસ્ટરો દ્વારા વારંવાર અનલૉકની આગાહી કરવા આવી છે. છતાં મુંબઈના વેપારીઓ અને પ્રજા ઉપર માનનીય મુખ્ય પ્રધાન મહેરબાન નથી થતા અને સરકારી આદેશ ઉપર સહી નથી કરતા. ટાસ્ક ફોર્સ, BMC તેમ જ પ્રધાનમંડળના પ્રધાનો સુધ્ધાં જ્યારે અર્થતંત્રને પાટે ચઢાવવા પ્રતિબંધો શિથિલ કરવાની તરફેણ કરે છે ત્યારે માનનીય મુખ્ય પ્રધાનને શું ખટકે છે? શું તેઓ ઇચ્છે છે કે આમ ને આમ નાના અને મધ્યમ વેપારીઓની દુકાનોને હંમેશ માટે તાળાં લાગી જાય? મધ્યમ વર્ગના માણસો ગરીબી રેખા નીચેની શ્રેણીમાં પ્રવેશે? માથાડી કામગાર અને રોજિંદા મજૂરો જે ફૂલ ટાઇમ ચાલતી દુકાનો પર નભે છે તે ભૂખે મરે?
મહારાષ્ટ્રના આ શહેરમાં સરકારને જગાડવા વેપારીઓ કરશે ઘંટનાદ આંદોલન; જાણો વિગત
આના કરતાં બહેતર છે કે સરકાર અમારી દુકાનોની ચાવીઓ લઈ લે અને તે આવા પ્રતિબંધો વચ્ચે વ્યવસાય ચલાવી બતાવે અને બધા ખર્ચાઓ કાઢી કમાવી બતાવે. આટલી લાચારી અને બેબસી આ પહેલાં વેપારી આલમે કોઈ દિવસ જોઈ નથી. કોરોના મહામારીમાં લાદેલા લૉકડાઉનમાં સરકારનો સહકાર નહીં મળતાં વેપારીઓ આર્થિક અને માનસિક કટોકટીમાં આવી ગયા છે. જો તેમને તુરંત સહાય નહીં મળે તો તેમનું અસ્તિવ મટી જશે અને એવામાં ક્રાંતિ એકમાત્ર વિકલ્પ દેખાઈ રહ્યો છે. હવે બે દિવસનો સમય સરકાર પાસે નિર્ણય લેવા માટે રહ્યો છે એવું મિતેષ મોદીએ કહ્યું હતું.