ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૩ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
ઝોમેટોએ આજે શૅરબજાર પર ધમાકેદાર એન્ટ્રી કરી છે. કંપનીએ ૭૬ રૂપિયાનો IPO બહાર પાડ્યો હતો અને આજથી એ શૅરબજારમાં લિસ્ટ થવાનો હતો. આજે શૅરબજાર ખૂલતાંની સાથે ઝોમેટોનો શૅર ૫૩% જબરદસ્ત પ્રીમિયમ સાથે ૧૧૬ રૂપિયાના ભાવે ખૂલ્યો હતો. આ સાથે જ કંપનીની માર્કેટ કૅપિટલ એક લાખ કરોડ થઈ ગઈ હતી.
ટ્રેડિંગ શરૂ થયાના પ્રથમ કલાકમાં જ કંપનીના શૅરની પ્રાઇસ લિસ્ટિંગના 53 ટકાથી 81 ટકા એટલે કે 138 રૂપિયા પ્રતિ શૅર સુધી પહોંચી હતી. ઝોમેટોએ 9,375 કરોડનો IPO લૉન્ચ કર્યો હતો. કૉલ ઇન્ડિયાના 15,199.44 કરોડના IPO બાદ ઝોમેટો દેશનો બીજો મોટો IPO હતો. માર્કેટમાં આ ભવ્ય એન્ટ્રી સાથે કંપનીએ પબ્લિક થનારો દેશનો પ્રથમ મેગા સ્ટાર્ટઅપ હોવાનો ઇતિહાસ બનાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઝોમેટોનો IPO આવતાંની સાથે ત્વરિત ભરાઈ ગયો હતો. કંપનીના ફાઉન્ડર દીપેંદર ગોયલે લિસ્ટિંગ પહેલાં ટ્વીટ કરી કહ્યું હતું કે “અમે નથી જાણતા સફળતા મળશે કે નિષ્ફળતા પણ કંપની પોતાનું બેસ્ટ આપશે.”