ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઓક્ટોબર, 2021
મંગળવાર.
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી હિંસાચારની ઘટનાના વિરોધમાં સોમવારના મહાવિકાસ આઘાડી સરકારના ત્રણે પક્ષોએ જાહેર કરેલા રાજવ્યાપી બંધને કારણે મહારાષ્ટ્રને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું. આ બંધને રાજયમાં કેટલાક ઠેકાણે સંપૂર્ણ તો અમુક જગ્યાએ સંમિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અમુક જગ્યાએ જોકે છૂટક બનાવ બન્યા હતા. સત્તાધારી પાર્ટીએ રાજયમાં 100 ટકા બંધ સફળ થયો હોવાનો દાવો કર્યો હતો. બંધને પગલે મુંબઈમાં બેસ્ટની બસને તો રાજયમાં અનેક ઠેકાણે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસને નુકસાન થયું હતું. આ બંધને કારણે દુકાનો સહિત વેપારધંધા બંધ રહેવાને કારણે સમગ્ર રાજયમાં અબજો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. જોકે મુંબઈ સહિત રાજ્યને કેટલું આર્થિક નુકસાન થયું હતું, તેનો ચોક્કસ આંકડો મોડી સાંજ સુધી કદાચ બહાર પડે એવી શક્યતા છે.