ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 ઑક્ટોબર, 2021
શુક્રવાર
વૈશ્વિક મહામારી કોરોના સામે લડી રહેલા ભારતે ગુરુવારે 100 કરોડ ડોઝનો આંકડો પાર કરી ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે 100 કરોડ રસીકરણ ડોઝ માત્ર આંકડો નથી, આ નવા ભારતની તસવીર છે. ભારતે કર્તવ્ય પાલન સાથે મોટી સફતા મેળવી છે.
દેશમાં અત્યાર સુધીમાં 100 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ ડોઝ આપવા માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવી નથી. આ સિદ્ધિ પાછળ 130 કરોડ દેશવાસીઓની ફરજ છે. એટલે જ આ સફળતા ભારતની સફળતા છે, દરેક દેશવાસીની સફળતા છે. હું આ માટે દરેક દેશવાસીને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આજે આખી દુનિયા ભારતની આ તાકાતને મહેસૂસ કરી રહી છે. ભારતનું રસીકરણ અભિયાન ‘સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસ’નું જીવંત ઉદાહરણ છે.
સારા સમાચાર! નવી મુંબઈમાં આટલાં ઘરોની લૉટરી કાઢશે સિડકો; જાણો વિગત
કોરોના મહામારીની શરૂઆતમાં ભારત સામે સવાલ ઊભા થયા હતા કે ભારત આ મહામારી સામે કેવી રીતે લડશે? ભારતના લોકોને રસી મળશે કે નહીં? શું ભારત આટલા બધા લોકોનું રસીકરણ કરી શકશે? મહામારી નિયંત્રણમાં લઈ શકશે? ભારતને વેક્સિન ક્યાંથી મળશે? ભારત બીજા દેશો પાસેથી રસી ખરીદવાના પૈસા ક્યાંથી લાવશે? શું ભારત રોગચાળો ફેલાતો અટકાવવા માટે પૂરતા લોકોને રસી આપી શકશે? વિવિધ પ્રશ્નો હતા, પરંતુ આજે આ 100 કરોડ રસીનો આંકડો દરેક પ્રશ્નનો જવાબ છે. ભારતે તેના નાગરિકોને 100 કરોડ રસીના ડોઝ આપ્યા છે અને તે પણ કોઈ પણ પૈસા લીધા વગર મફતમાં. ભારતે સૌને મફત વેક્સિનનું અભિયાન ચલાવ્યું અને અમીર-ગરીબ તમામને રસી મળી. વેક્સિનમાં VIP કલ્ચર ન આવે એની પણ ખાતરી રાખવામાં આવી.
આગળ તેમણે જણાવ્યું કે કોરોના સામેની આપણી લડાઈ હજી ચાલુ છે. આપણું કવચ ગમે એટલું ઉત્તમ કેમ ન હોય, હજી આપણું કોરોના સામે યુદ્ધ ચાલુ છે. જેથી હથિયાર નીચે ન મૂકવાં જોઈએ. દિવાળીના તહેવારોને સતર્કતા સાથે ઊજવવાના છે. આપણે બહાર જઈએ એટલે જૂતાં પહેરીએ છીએ એવી રીતે આપણે માસ્ક પણ પહેરવો જોઈએ. આપણે માસ્ક પહેરવાને સહજ સ્વભાવ બનાવવો પડશે. આપણે કોરોના સામે લાપરવાહ ન બનીએ. સાથે જ વડા પ્રધાને તહેવાર મનાવતી વખતે કોરોના મામલે તમામ સતર્કતા અને સાવધાની રાખવા પણ દેશવાસીઓને અપીલ કરી અને માસ્ક હંમેશાં પહેરીને બહાર જવા અપીલ કરી. તેમણે દેશવાસીઓને તહેવારોની શુભેચ્છા આપી સંબોધન સમાપ્ત કર્યું.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ 7 જૂન, 2021ના રોજ વડા પ્રધાને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં સૌને મફત કોરોના રસીની જાહેરાત કરવામાં આવી હતી.