ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
કોરોનાની બીજી લહેરમાં ઑક્સિજનની અછતને કારણે મૃત્યુ ન થવાનો મામલો ફરી ગરમાયો છે. આ વખતે રાજ્યોએ માહિતી આપી છે કે ઑક્સિજન અથવા આરોગ્ય સેવાઓના અભાવે કોઈ દર્દીનું મોત થયું નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને અત્યાર સુધીમાં 13 રાજ્ય સરકારો તરફથી જવાબ મળ્યા છે, એમાંથી 12 રાજ્યો સાથે એક પણ આવો કેસ નોંધાયો નથી. આ રાજ્યો છે – ઓડિશા, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, નાગાલૅન્ડ, આસામ, લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, સિક્કિમ, ત્રિપુરા, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ. જ્યારે પંજાબે ચાર શંકાસ્પદ કેસ વિશે માહિતી આપી છે, જેઓ બીજી લહેર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જોકે ઑક્સિજનની અછતને કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા એ અંગે કોઈ સ્પષ્ટ માહિતી પંજાબ સરકારે આપી નથી.
સરકાર આ પહેલાં પણ સંસદમાં ઑક્સિજનની અછતને કારણે થયેલાં મોત અંગે નિવેદન આપી ચૂકી છે. મહામારીની બીજી લહેર દરમિયાન ઑક્સિજનની અછતને કારણે ઘણા કોવિડ દર્દીઓ મૃત્યુ પામ્યા? કૉન્ગ્રેસના સાંસદ વેણુગોપાલના આ સવાલનો રાજ્યસભામાં રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાને આપેલો લેખિત જવાબ આશ્ચર્યજનક હતો. કોરોનાની બીજી લહેર દરમિયાન, મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ ઑક્સિજન સંકટને કારણે મૃત્યુ પામ્યા, પરંતુ કૉન્ગ્રેસના સાંસદ કે. સી. વેણુગોપાલે ઑક્સિજનની અછતને કારણે થયેલા મૃત્યુ અંગે પૂછેલા સવાલના જવાબમાં રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન ડૉ. ભારતી પ્રવીણકુમારે એક લેખિત જવાબમાં કહ્યું : આરોગ્ય રાજ્યનો વિષય છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો આરોગ્ય મંત્રાલયને નિયમિત રીતે મૃત્યુના અહેવાલોની વિગતવાર માહિતી આપે છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અહેવાલો અનુસાર, દેશમાં એક પણ મૃત્યુ ઑક્સિજનના અભાવને કારણે થયું નથી.
અનુપમાની સામે ઊભી થશે નવી મુસીબત, કાવ્યા પર વનરાજ થશે ગુસ્સે; જાણો ‘અનુપમા’ના આવનારા એપિસોડ વિશે
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર ચરમસીમા પર હતી ત્યારે સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો. એ દરમિયાન સૌથી મોટી સમસ્યા ઑક્સિજનના અભાવને કારણે ઉદભવી હતી. ઑક્સિજનના અભાવને કારણે ઘણા લોકોના જીવ પણ ગયા હતા, પરંતુ સરકારે આવા કોઈ આંકડાને નકાર્યા હતા. તાજેતરમાં સંસદમાં પણ ઑક્સિજનની અછતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. વિપક્ષે આ મુદ્દે સરકારને ઉગ્ર રીતે ઘેરી હતી. આ પછી, કેન્દ્રે આવા મૃત્યુ અંગે રાજ્યો પાસેથી ડેટા માગ્યો હતો.